પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારનું શુક્રવારે 87 વર્ષની વયે અવસાન થયું. દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત આ અભિનેતાએ લાંબી બીમારી સામે લડ્યા બાદ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હોવાનું જાણવા મળે છે. તેમને ‘ભારત કુમાર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મનોજ કુમારના મૃત્યુના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર કુણાલ ગોસ્વામીએ કરી સમાચાર એજન્સીએ શુક્રવારે સવારે કુમારના અવસાનના અહેવાલ આપ્યા હતા અને કહ્યું હતું કે અભિનેતાએ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મનોજ કુમારના પુત્ર કુણાલ ગોસ્વામીએ પીઢ અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું કે તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે થશે. તેમણે કહ્યું, “તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા. ભગવાનની કૃપા છે કે તેઓ શાંતિપૂર્વક આ દુનિયા છોડી ગયા. તેમના અંતિમ સંસ્કાર કાલે થશે.”
મનોજ કુમારના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો મનોજ કુમારના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પીઢ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી. પીએમએ લખ્યું, “મનોજ કુમાર જી, તેઓ ભારતીય સિનેમાના એક પ્રતિક હતા. ખાસ કરીને તેમની દેશભક્તિ માટે યાદ કરવામાં આવે છે, જે તેમની ફિલ્મોમાં પ્રતિબિંબિત થતી હતી. મનોજ જીના કાર્યથી રાષ્ટ્રીય ગૌરવની ભાવના જાગી અને તે પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.”
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ પીઢ અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાજનાથ સિંહે X પરની તેમની પોસ્ટમાં લખ્યું. “શ્રી મનોજ કુમારજી એક બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા હતા > જેમને દેશભક્તિની ફિલ્મો બનાવવા માટે હંમેશા યાદ રાખવામાં આવશે. ‘ભારત કુમાર’ તરીકે જાણીતા, ‘ઉપકાર’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ જેવી ફિલ્મોમાં તેમના અવિસ્મરણીય અભિનયથી આપણી સંસ્કૃતિ સમૃદ્ધ થઈ છે અને તેમને પેઢીઓ સુધી પ્રિય બનાવ્યા છે, તેમનો સિનેમેટિક વારસો તેમના કાર્યો દ્વારા જીવંત રહેશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના, ઓમ શાંતિ.”