પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત ગ્લોબલ ઇકોનોમીનો ગેટ વે બની દેશના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપી રહ્યું હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ

Spread the love

——–

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ‘એન્યુઅલ ટ્રેડ એક્સપો 2025‘નું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ


 

 

ગાંધીનગર

લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ‘એન્યુઅલ ટ્રેડ એક્સપો 2025‘નું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું.

વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસના માધ્યમથી ભારતનો વિકાસ આ સૂત્ર ગુજરાતીઓના સંસ્કાર રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં 11 મા ક્રમાંક થી 5 માં ક્રમાંકે પંહોચવામાં ગુજરાતનો સિંહફાળો રહ્યો છે અને આગામી સમયમાં 5 માં ક્રમાંકે થી ત્રીજા ક્રમાંકે અર્થવ્યવસ્થા પહોંચવામાં પણ ગુજરાતનો સિંહફાળો રહેશે. શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઉદ્યોગ જગતને લગતાં વિવિધ વિષયો અંગે તેઓએ હંમેશા ચેમ્બર સાથે સાર્થક ચર્ચા કરી વેપારીઓ, ઉદ્યોગપતિઓ, લઘુ ઉદ્યોગો સાથે સંવાદ કરીને નિર્ણયો કર્યા. આજે શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ એ જ પ્રમાણે કાર્યરત છે. શ્રી મોદીજી એ નીતિ પર ચાલ્યા કે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હશે તો અર્થવ્યવસ્થા મજબૂત બનશે અને જો અર્થવ્યવસ્થા મજબૂત બનશે તો દરેક નાગરિકના જીવનમાં સશક્તતા અને સુવિધા વધશે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, આજે ગુજરાત ગ્લોબલ ઇકોનોમીનો ગેટ વે બની દેશના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપી રહ્યું છે. આજે આ એક્સપોનો પ્રારંભ ‘ગુજરાત કા વિઝન, ગ્લોબલ એમ્બિશન‘ સુત્ર સાથે થયો છે ત્યારે મને વિશ્વાસ છે કે આ સૂત્ર સાર્થક કરવામાં ચેમ્બરને ચોક્કસ સફળતા મળશે. આ ત્રિદિવસીય એક્સપોમાં 15 હજારથી વધુ વિઝીટર મુલાકાત લેવાના છે જેમાં MSMEને બ્રાન્ડિંગ અને IPO બાબતની જાણકારી આપવાનું, B2C બ્રાન્ડની વૈશ્વિક ઉપસ્થિતિ પર ચર્ચા, યુવાનો સાથે ‘વિઝન 2047’ નો સંવાદ તેમજ ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સહિતના વિષયો પર કાર્યક્રમ થવાના છે. આ તમામ વિષય ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશના અર્થતંત્રને મજબૂત કરતા વિષય છે.

શ્રી શાહે કહ્યું કે, આજે દેશભરના લોકો ગુજરાતના ઔદ્યોગિક વિકાસની પ્રશંસા કરે તેનુ મૂળ કારણ શ્રી કસ્તુરભાઈ શેઠે દૂરંદેશી કદમ લઈ દેશની આઝાદી પછી તુરંત ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખ્યો તે છે. GCCI અને ગુજરાતના વિકાસને અલગ ન રાખી શકાય તેવું મોટું યોગદાન GCCI એ આપ્યું છે. છેલ્લા 75 વર્ષથી ચેમ્બરે સરકાર સાથે સંવાદ જાળવી જનતાના હિતોની ચિંતા કરી છે. અનેક કુદરતી આફતોમાં ચેમ્બર જનતાની સાથે ખભેથી ખભો મિલાવી ઊભી રહી છે. GCCI ની 75 થી 100 વર્ષ સુધીની યાત્રામાં એક સુદ્રઢ, સુગઠિત રોડમેપ બનાવી તેને ગુજરાતના વિકાસ સાથે સંરેખિત કરી આગળ વધવું જોઈએ. આપણી નાના ગામડા થી લઈને મોટા કારખાના સુધીની ટ્રેડિંગ ચેઇનનો મોટા પાયે ડિજિટલ ટ્રાન્જેક્શનમાં સમાવેશ કરવો જોઈએ. ગુજરાતના યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાના ગુણને સંવર્ધિત અને સંરક્ષિત કરી તેને વધુ ઉત્તેજન અને પ્રોત્સાહન મળે તે દિશામાં રોડમેપ બનાવી ચેમ્બરે આગળ વધવું જોઈએ.

શ્રી શાહે જણાવ્યું હતું કે, MSME એ આપણી સૌથી મોટી મૂડી છે, કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રીની શરૂઆત લઘુ ઉદ્યોગ તરીકે જ થઈ છે. ગુજરાતના લઘુ ઉદ્યોગોએ કેવળ ગુજરાત જ નહિ સમગ્ર દેશના ઔદ્યોગિક વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. GCCI એ લઘુ ઉદ્યોગોને સ્ટાર્ટઅપ સાથે જોડી આધુનિક બનાવી સક્ષમ તંત્ર ઉપલબ્ધ કરાવી સરકાર અને ઉદ્યોગસાહસિક વચ્ચે કડી બનવું જોઈએ ઉપરાંત પાયોનિયર ઇન્ડસ્ટ્રીની સાથે એન્સીલરી ઇન્ડસ્ટ્રી દ્વારા MSME ના વિકાસ માટે કામ કરવું જોઈએ. શ્રી શાહે GCCI ને એક સ્થાયી તંત્ર ઉભુ કરી સરકારને નીતિ નિર્માણમાં અને નીતિના અમલીકરણમાં સહાયરૂપ થવા હિમાયત કરી હતી.

શ્રી શાહે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં સરકારે ટ્રેડ થી ટેકનોલોજી સુધી, ઇન્ફર્મેશન ટેકનોલોજીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી MSME થી સ્ટાર્ટ અપ અને પાયોનીયર ઇન્ડસ્ટ્રીઝ સુધી તમામને સમાવિષ્ટ કરી સરકારે સુંદર ઇન્ડસ્ટ્રીયલ વાતાવરણનો ગુલદસ્તો બનાવ્યો છે. ગુજરાતની સુવિધા અને ઇન્ડસ્ટ્રીઝને અનુકૂળ વાતાવરણ, મીનીમમ પોલિટિકલ ઇન્ટરફિયરન્સ અને હડતાળો વગરનું તંત્ર ઉદ્યોગકારોને ગુજરાતમાં વ્યવસાય કરવા આકર્ષે છે. ગુજરાતના બંદરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી આપણને મળેલા દરિયાકાંઠાનું ઓપ્ટિમલ યુટીલાઇઝેશન કરવામાં આપણને સફળતા મળી છે. ગુજરાતનો વિકાસ આજે આખા દેશમાં આંખે ઉડીને વળગે તેવો છે.

1949 થી ચેમ્બરે કાર્ય શરૂ કર્યું. 75 થી વધુ સંસ્થાઓ તેમજ અઢી લાખથી વધુ એકમો GCCI સાથે જોડાયેલા છે. ચેમ્બરે ‘ગ્રો બિઝનેસ એન્ડ ટ્રાન્સફોર્મ ગુજરાત‘ ના સૂત્રોને પહેલી વાર કરવા માટે એડીચોટીનું જોર લગાવી સરકાર સાથે સુંદર સંવાદ સ્થાપિત કર્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતની ગ્લોબલ સફળતાની ચર્ચામાં GCCI ની ખૂબ મોટી ભૂમિકા છે. વર્ષ 2001 માં ભૂકંપની ત્રાસદીથી લઈ આજે 2025 સુધી પાયોનીયર ઇન્ડસ્ટ્રીઝ હબ બનવા સુધીની ગુજરાતની યાત્રામાં GCCI નો અમૂલ્ય ફાળો રહ્યો છે. 75 વર્ષ સુધી પરિણામલક્ષી કાર્ય કરી યોગદાન આપવા બદલ ચેમ્બર ના તમામ પદાધિકારીઓ ને શ્રી શાહે અભિનંદન પાઠવ્યા હતાં.

શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતે દેશમાં અનેક વિષયમાં પ્રથમ શરૂઆત કરી જેમ કે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કલ્પના, ગામડાઓમાં 24 કલાક વીજળી, ગુજરાતની ગ્લોબલ ફાઇનાન્સિયલ હબ બનવાની દિશામાં શરૂઆત, ઈ- ગ્રામ પ્રોજેક્ટ, માતા મૃત્યુદર ઘટાડવો. છેલ્લા 11 વર્ષથી શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી છે ત્યારે તેઓના નેતૃત્વમાં તમામ ક્ષેત્રમાં અનેક પ્રકારથી વ્યવસ્થાપન અને દેશના વિકાસને સુનિશ્ચિત કરી ભારતને ગ્લોબલ લીડર બનાવવાની દિશામાં તેઓએ આગળ વધાર્યું છે. આજે ડિજિટલ ટ્રાન્જેક્શન, સ્માર્ટ ફોન ડેટા યુઝ, સૌથી વધુ ટુ વ્હીલર અને ટ્રેકટર ઉત્પાદન, સ્પેસ સ્ટાર્ટઅપ, રેલવે નેટવર્ક ઇલેક્ટ્રિફિકેશન, સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર, સૌથી સસ્તો 5g ડેટા, સૌથી વધુ ટેકનિકલ ગ્રેજયુએટ, ઊર્જા ક્ષમતાના ગ્રોથ રેટમાં ભારત અવલ સ્થાને છે. આ તમામ બાબતો છેલ્લા દસ વર્ષમાં શક્ય બની છે તેનું કારણ શ્રી નરેન્દ્રભાઇ મોદીનો હોલીસ્ટિક, મલ્ટી ડાયમેન્શનલ અને હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચ છે. ભુપેન્દ્રભાઈ પટેલે આ બાબત સાથે ગુજરાતમાં પ્રસ્થાપિત કરવાનું કાર્ય કર્યું છે.

આજે ગુજરાત ઇઝ ઓફ લિવિંગ ની સાથે સાથે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના વિકાસ માટે ગુજરાત સતત કાર્યરત છે. આગામી 25 વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાનો નિર્ણય કરતા વિવિધ ક્ષેત્રોમાં ગુજરાત પાયોનીયર બની રહ્યું છે. સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, એરક્રાફ્ટ નિર્માણ, ડિફેન્સ સહિતના ક્ષેત્રે ગુજરાતનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. વિશ્વનો સૌથી મોટો રીન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં બન્યો છે. સૌથી મોટી ગ્રીન ફિલ્ડ સિટી ધોલેરા સ્માર્ટ સિટી ગુજરાતમાં બની રહી છે. દેશનો બીજો સૌથી લાંબો એક્સપ્રેસ વે સુરત ચેન્નાઇ એક્સપ્રેસ વે બની રહ્યો છે. GIFT સિટી અને દેશની પ્રથમ બુલેટ ટ્રેન પણ ગુજરાતને મળી છે. પ્રથમ નમો ભારત રેપિડ રેલની શરૂઆત પણ ગુજરાત થી થઈ છે. આગામી સમયમાં દેશના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતનો ખૂબ મોટો ફાળો રહેશે અને તેમાં ચેમ્બરની ભૂમિકા મહત્વની રહેવાની છે.

આ તકે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સરકારના મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ઝાયડસ ગ્રુપના ચેરમેન શ્રી પંકજ પટેલ, GCCI ના અધ્યક્ષ શ્રી સંદિપ એન્જિનિયર, પૂર્વ અધ્યક્ષ શ્રી અજય પટેલ, ટોરેન્ટ ગ્રુપના શ્રી જીનલ મહેતા, GCCI ના વરિષ્ઠ ઉપાધ્યક્ષશ્રી રાજેશ ગાંધી, શ્રી અપૂર્વ શાહ, શ્રી ગૌરાંગ ભગત, શ્રી સુધાંશુ મહેતા સહિત અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *