ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી પેટીએમ કંપનીમાંથી કાઢી મુકાયેલા એક સેલ્સમૅને કંપનીની પ્રક્રિયા અને પોતાની કંપની સાથેની ઓળખનો લાભ લઈને લગભગ 500 વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની કથિત છેતરપિંડી કરીને પૈસા પોતાના ખાતામાં જમા લઈ લીધા હતા.
આરોપી સેલ્સમૅને વેપારીઓને પેટીએમ કંપનીને આપવા પડતાં મહિને 99 રૂપિયાનો ચાર્જ નહીં આપવો પડે એમ કહીને છેતરી લીધા હતા.
અમદાવાદના એક વેપારીએ પોલીસ ફરિયાદ કરતા ત્રણ મહિનાની તપાસ બાદ આ સેલ્સમૅન અને તેની સાથે કામ કરનારા આઠ જણ એમ કુલ નવ લોકોની ટોળકીને ઉત્તર ગુજરાત રાજસ્થાન અને વડોદરાથી પોલીસે ઝડપી લીધી છે.
ટોળકી વેપારીઓને કેવી રીતે શિકાર બનાવી છેતરતી હતી?
Ahmedabad Cyber Crimeવેપારીઓની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં પકડાયેલા આરોપીઓ
અમદાવાદના પાલડીમાં કરિયાણાની દુકાન ધરાવતા 57 વર્ષીય જયેશ દેસાઈએ તેમના ગ્રાહકોને ઑનલાઇન પેમેન્ટ કરવા માટે પાંચ વર્ષ પહેલાં એમની દુકાનમાં પેટીએમનું મશીન લગાવ્યું હતું.
જયેશ દેસાઈએ બીબીસીને કહ્યું, “મને ટેકનોલૉજીમાં બહુ ખબર ના પડે, એટલે મેં પહેલાં મારી દુકાનમાં પેટીએમ મશીન લગાવ્યું નહોતું. પણ કોરોના સમયે લોકો ઑનલાઇન પેમેન્ટ કરવા લાગ્યા એટલે મેં 2020માં પેટીએમ મશીન લગાવ્યું. એ પછી કંપનીમાંથી દર 15 દિવસે કોઈ સેલ્સમૅન આવતો અને મશીન બરાબર કામ કરે છે કે નહીં એની તપાસ કરતો હતો. થોડાં વર્ષો પહેલાં બ્રિજેશ નામનો એક સેલ્સમૅન આવતો હતો. પછી એ આવતો બંધ થઈ ગયો હતો અને બીજા સેલ્સમૅન આવતા હતા.”
એમણે વધુમાં કહ્યું, “અચાનક ડિસેમ્બર મહિનાના અંતમાં એ મારી દુકાને આવ્યો, અને એણે મને કહ્યું કે હવે એનું પ્રમોશન થઈ ગયું છે, પણ જૂના ગ્રાહકો માટે કંપનીએ નવી સ્કીમ કરી છે. પેટીએમના સાઉન્ડ મશીનનું ભાડું મહિને 99 રૂપિયા છે, એ ઘટાડીને કંપની જૂના ગ્રાહકોને માત્ર એક રૂપિયાના ભાડામાં જ મશીન આપશે.”
“મને એમ કે કંપનીનો સેલ્સમૅન છે, એટલે નવી સ્કીમ લઈને આવ્યો હશે. આમ સમજીને મેં એને મશીન બદલી નાખવાનું કહ્યું.”
તેમણે વધુમાં કહ્યું, “એણે મારી પાસેથી મારા બૅન્ક એકાઉન્ટનું ડેબિટ કાર્ડ નવા મશીન સાથે જોડવા માટે માગ્યું અને કહ્યું હતું કે પૈસા સીધા મારા ખાતામાં જ જમા થશે અને મારા દર મહિને મારા 98 રૂપિયાનો ચાર્જ બચી જશે. પણ હું ડેબિટ કાર્ડ રાખતો નથી, તો એણે મને કહ્યું કે એ લોકો જૂના ગ્રાહકો બૅન્ક એકાઉન્ટ ખોલીને ડેબિટ કાર્ડ આપવાનું કામ પણ કરે છે.”
“એની બદલે એમને કાર્ડ દીઠ કમિશન મળે છે અને ગ્રાહકોને એ કાર્ડ મફતમાં મળે છે. આમ કહીને એણે ફોનમાંથી જ અરજી કરવા માટે મારો ફોન માગ્યો. મેં એને મારો ફોન આપ્યો.”
જયેશભાઈના જણાવ્યા અનુસાર, બ્રિજેશે એમને એક અઠવાડિયામાં ડેબિટ કાર્ડ આવી ગયા બાદ એમના મશીનમાં મહિને એક રૂપિયાના ચાર્જની સ્કીમ લાગુ થઈ જશે એમ કહ્યું હતું.
‘મને ખબર નહોતી કે એમણે મારા ફોનમાંથી બૅન્કની ડિટેઇલ લઈ લીધી’
જયેશભાઈએ કહ્યું કે બ્રિજેશની સાથે આવેલો પ્રીતેશ પણ પેટીએમમાં પહેલાં સેલ્સમૅન હતો એ લોકો શરૂઆતમાં મને પેટીએમમાંથી નાણાં મેળવવામાં તકલીફ પડે ત્યારે મદદ કરતા હતા.
“મેં ભરોસો રાખીને મારો ફોન આપ્યો અને એ લોકોએ ડેબિટ કાર્ડની અરજી કરી. પાંચ દિવસમાં મારું ડેબિટ કાર્ડ આવી ગયું હતું. પછી એ લોકો મારી દુકાને આવ્યા અને એવા સમયે આવ્યા હતા કે એ સમયે મારી દુકાનમાં ઘરાકી ઘણી હતી. એટલે મેં એમને ફરીથી મારો ફોન આપીને પેટીએમના મહિને 99 રૂપિયાને બદલે એક રૂપિયો જ ચાર્જ થાય એ સ્કીમ ઍક્ટિવ કરાવી.”
એમણે કહ્યું, “મને ખબર નહોતી કે એમણે મારા ફોનમાંથી બૅન્કની ડિટેઇલ લઈ લીધી હતી. એમણે મને ડેબિટ કાર્ડ ઍક્ટિવ થઈ રહ્યું છે એમ કહીને મારા એકાઉન્ટમાંથી પહેલા 4,99,000 અને પછી એક લાખ એમ બે ટ્રાન્જેક્શન કર્યાં.”
“મારા ફોન પર ખાતામાંથી પૈસા ઊપડ્યા હોવાનો મૅસેજ આવ્યો એ એમણે ડિલીટ કરી નાખ્યો હતો. અને મેં એમનો ફોન નંબર મારા મોબાઇલમાં સેવ કર્યો હતો એ પણ ડિલીટ કરી નાખ્યો. મારો ફોન ઍરોપ્લેન મોડમાં મૂકી મને પાછો આપ્યો.”
જયેશભાઈનું કહેવું છે કે ઘરાકીને કારણે તેમણે જોયા વિના ફોન બાજુમાં મૂકી દીધો, પણ ઘરે જઈને ફોન જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે એને ઍરોપ્લેન મોડમાં મૂકેલો હતો.
“મારે બીજા વેપારીને પૈસા આપવાના હતા એટલે મારા દીકરાને બૅન્કમાં કેટલું બેલેન્સ છે એ જોવા કહ્યું ત્યારે મને ખબર પડી કે બૅન્કના ખાતામાં તો પૈસા જ નહોતા. મને એ પણ ખબર પડી કે એમણે મારા ફોનમાંથી એમનો પોતાનો નંબર ડિલીટ કરી નાખ્યો છે. પણ મેં મારી ટેવ પ્રમાણે એમના નંબર ડાયરીમાં લખી રાખ્યા હતા.”
“મેં એમના નંબર પર ફોન કર્યા ત્યારે એ ફોન બંધ આવતો હતો. બીજે દિવસે પેટીએમ કંપનીમાં તપાસ કરી ત્યારે ખબર પડી કે એ લોકો તો ત્યાં નોકરી જ નહોતા કરતા અને પેટીએમે આવી કોઈ સ્કીમ બહાર પડી જ નહોતી. એટલે અમે પોલીસ ફરિયાદ કરી હતી.”
પોલીસે આરોપીઓને કેવી રીતે પકડ્યા?
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના એસીપી હાર્દિક માકડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં આ આરોપીઓની વેપારીઓને ફસાવવાની યોજના વિશે વાત કરી.
તેમણે કહ્યું, “આ લોકો ટેકનોલૉજી વાપરતા ન આવડતી હોય અને ઉંમરમાં મોટા હોય એવા વેપારીઓને ટાર્ગેટ કરતા હતા. ફરિયાદીએ જે ફોન નંબર આપ્યો એનું ટેકનિકલ સર્વેલન્સ કરાવ્યું તો એ ફોનનું સિમકાર્ડ રાજસ્થાનનું હોવાનું જાણવા મળ્યું. સિમકાર્ડ ખોટા પુરાવાના આધારે લેવાયેલું હતું.”
“અમે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું તો વડોદરાના મોહસીન પટેલ, સદ્દામ પઠાણ અને સલમાન શેખનાં બૅન્ક ખાતામાં પૈસા જમા થયા હોવાનું જાણવા મળ્યું હતું. નેટ બૅન્કિંગથી જમા થયેલા પૈસા માટેનું જે આઈપી ઍડ્રેસ હતું એ રાજસ્થાનના સિમકાર્ડનું હતું.”
એસીપી માકડિયાએ વધુમાં કહ્યું, “અમે સૌપ્રથમ આ ત્રણ લોકોની ધરપકડ કરી અને પછી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આરોપી બ્રિજેશ રાણીપમાં મકાન ભાડે રાખીને રહેતો હતો. 2021 સુધી પેટીએમમાં સેલ્સમૅન તરીકે નોકરી કરતો હતો, પણ તેણે ચાલાકીથી સેલ્સમૅનની નોકરી દરમિયાન ટેકનોસેવી ના હોય એવા ઉંમરલાયક વેપારીઓના પૈસાની ઉચાપત કરી હતી. એની જાણ કંપનીમાં થતાં એને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.”
પોલીસના જણાવ્યા અનુસાર, “30 વર્ષના બ્રિજેશે પોતાની એક ગૅંગ બનાવી હતી, પેટીએમમાં કામ કરતા પ્રીતમ સુથાર અને ડિલક્સ સુથારને પોતાની ગૅંગમાં સામેલ કર્યા પછી એક સોફ્ટવેર એન્જિનિયર અને બૅન્કમાં નોકરી કરતા પરાગ મિસ્ત્રીને પોતાની ગૅંગમાં સામેલ કર્યો હતો. એ પછી ઑનલાઇન ગેમ રમતો અને ઑનલાઇન પૈસા ટ્રાન્સફર કરવામાં માસ્ટર ગોવિંદ ખટિકને પોતાની ગૅંગમાં લીધો હતો.”
“ત્યાર બાદ ટ્રેઇની સેલ્સમૅન જેવા લાગતા રાજ પટેલને પોતાની સાથે લીધો હતો. રાજ પટેલ જ્યારે પૈસા ટ્રાન્સફર થતા હોય અને બૅન્કમાંથી આવતા મૅસેજ ડિલીટ થતા હોય ત્યારે વેપારી પર નજર રાખતો અને વેપારી ઘરાકીમાંથી સહેજ નવરો પડે તો એને બીજી વાતે વળગાડી રાખતો.”
વેપારીઓના ખાતામાંથી પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરતી વખતે પણ આ આરોપીઓ સાવચેતી રાખતા હતા.
એસીપી માકડિયાએ કહ્યું, “આ લોકો પહેલાં વેપારીના ખાતાનું બૅલેન્સ જોઈને 4.99 લાખ રૂપિયા ઉપાડતા, કારણ કે પાંચ લાખની રકમ હોય તો બૅન્કમાંથી તરત જ ખાતાધારકને ફોન આવે એટલે બૅન્કમાં કામ કરતા સોફ્ટવેર એન્જિનિયર પરાગ મિસ્ત્રીએ આ બાબતો આખી ગૅંગને સમજાવી રાખી હતી.”
“આરોપીઓ 4.99 લાખ રૂપિયા પછી તરત બીજું એક લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન કરીને ફોનને ઍરોપ્લેન મોડ પર મૂકી દેતા હતા. જેથી બૅન્કમાંથી ખાતાધારકને ફોન આવે તો વાત થઈ ન શકે.”
પોલીસના જણાવ્યા અનુસાર આ ગૅંગનો મુખ્ય સૂત્રધાર 30 વર્ષનો બ્રિજેશ પટેલ મૂળ કડી પાસેના મોખાસણ ગામનો છે. એ માત્ર દશમું ધોરણ પાસ છે, ત્યાર પછી તેણે આઈટીઆઈમાં કોર્સ કર્યો હતો. પણ તેને સારી નોકરી ન મળતા એ પેટીએમમાં સેલ્સમૅન તરીકે જોડાયો હતો. એ પૈસાની ઉચાપત કરવામાં માહેર છે, એટલે બે વર્ષ સુધી ચાલુ નોકરીએ એણે પૈસાની ઉચાપત કરી, પણ એ ઘણા સમય પછી પકડાતા પેટીએમ કંપનીએ એને કાઢી મૂક્યો હતો. ત્યાર બાદ એણે પોતાની ગૅંગ બનાવી એમાં પેટીએમમાં નોકરી કરતા મૂળ રાજસ્થાનના પ્રીતમ, ગોવિંદ ખટિક અને ડિલક્સ સુથારને પોતાની જોડે લીધા હતા. પ્રિતમે એના જ ગામના સોફ્ટવેર એન્જિનિયર અને બૅન્કમાં નોકરી કરતા પરાગ મિસ્ત્રીને કામમાં જોડ્યો હતો, જેથી બૅન્કિંગનું કામ આસાન થાય.
પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યા મારામારી જેવા ત્રણ ગુના હેઠળ પોલીસથી ભાગતો ફરતો પ્રીતમ રાજસ્થાનથી ગુજરાત આવી ગયો હતો અને પેટીએમમાં નોકરી કરી ચૂક્યો હતો.
આખી ગૅંગ પાસે અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, કડી, કલોલ, મહેસાણા, ઊંઝા, પાલનપુર, સુરેન્દ્રનગર લીંબડી સહિત ઘણાં ગામો અને શહેરોના વેપારીઓની માહિતી હતી.
અત્યાર સુધીમાં આ ગૅંગે લગભગ 500 જેટલા વેપારીઓનાં નાણાં આવી રીતે પડાવી લીધા હોવાનો પોલીસનો દાવો છે.
પોલીસે જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનના પ્રીતમ સુથાર, ગોવિંદ ખટિક રાજસ્થાનના ડમી સિમકાર્ડ લાવતા હતા, પ્રીતમ ફાઇનાન્સનું કામ કરતો હતો એટલે બૅન્કમાં ભાડેથી એકાઉન્ટ લાવી આપતો હતો. ભાડાનાં એકાઉન્ટમાં ક્યાંય પકડાય નહીં, એટલે બૅન્કમાં નોકરી કરતો પ્રીતમ સુથાર એને મદદ કરતો હતો. જ્યારે ડિલક્સ સુથાર ઝડપથી ઑનલાઇન ગેમિંગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી ઈ-વૉલેટમાં જમા કરાવતો હતો. ત્યાર બાદ આ લોકો પૈસા ભાડે લીધેલા એકાઉન્ટમાં લઈ ઉપાડી લેતા હતા.
ટ્રેનિંગ પછી પરાગ નવા-નવા લોકોનાં બૅન્ક એકાઉન્ટ લાવી આપતો. બે વર્ષથી આ ટોળકી નાના વેપારીઓને લૂંટી રહી હતી. જે સિફતથી એ લોકોએ ફોનમાં સેવ કરેલા નંબર ડિલીટ નાખતા હતા. પૈસા તાત્કાલિક ઑનલાઇન ગેમિંગમાં ટ્રાન્સફર કરતા હતા એટલે ઝડપથી પકડાતા નહોતા. જોકે અમદાવાદના વેપારીએ એમનો નંબર ડાયરીમાં લખી રાખ્યો હતો એટલે એ આઈપી ઍડ્રેસ પરથી પોલીસ ત્રણ મહિનાની તપાસ બાદ ગૅંગને પકડી શકી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર હાલ આ લોકોના રિમાન્ડ ચાલુ છે રિમાન્ડ બાદ આ લોકોએ ગુજરાત બહાર પણ લોકોને છેતર્યા છે કે નહીં એની વિગતો બહાર આવશે.
બીબીસીએ આરોપીઓ બ્રિજેશ પટેલ અને રાજ પટેલના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે આ મામલે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો.