
મુંબઇ,
અમેરિકામાં પારસ્પરિક ટેરિફ પર ૯૦ દિવસના બ્રેકને કારણે આજે સ્થાનિક શેરબજારમાં તીવ્ર તેજી જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં ૯ સેન્સેક્સ ૧,૪૦૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો જ્યારે નિફટીએ પણ ૨૨,૮૫૦ પોઈન્ટને પાર કર્યો હતો. સન ફાર્મા અને ટાટા મોટર્સના શેરમાં ૪ ટકાથી વધુનો વધારો થયો છે. સવારે ૧૦ વાગ્યે, બીએસઈ સેન્સેક્સ ૧૪૩૧ પોઈન્ટ વધીને ૭૫૨૭૮ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી પણ ૪૭૨ પોઈન્ટ વધીને ૨૨૮૭૧ પોઈન્ટ પર પહોંચ્યો. આ વધારા સાથે, BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૬.૯૭ લાખ કરોડ રૂપિયા વધીને ૪૦૦.૭૯ લાખ કરોડ રૂપિયા થયું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના તમામ દેશો માટે પારસ્પરિક ટેરિફ પર ૯૦ દિવસનો બ્રેક લાદવાની જાહેરાત કરી છે. ચીન પર પારસ્પરિક ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરવામાં આવ્યો છે. ગુરુવારે મહાવીર જયંતિના કારણે સ્થાનિક શેરબજાર બંધ રહ્યા હતા. એટલા માટે આજે બજારે તેના પર પ્રતિક્રિયા આપી. સેન્સેક્સના ૩૦ માંથી ૨૭ શેર વધારા સાથે ખુલ્યા. સન ફાર્મા, ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સના શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. બીજી તરફ, એશિયન પેઇન્ટ્સ, ઇન્ડસઇન્ડ બેંક અને ટીસીએસના શેરમાં ઘટાડો થયો હતો.
વેલસ્પન લિવિંગના શેર આજે ૬ ટકાથી વધુ વધીને રૂ. ૧૨૦ પર ટ્રેડ થઈ રહ્યા છે. નુવામાં વેલ્થના શેરમાં ૫ ટકાનો વધારો થયો છે, જ્યારે કેન્સ ટેકના શેરમાં ૪.૬૬ ટકાનો વધારો થયો છે. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ૫.૪૫ ટકાનો વધારો થયો છે, જ્યારે કેપીઆઈટી ટેકના શેરમાં ૫ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત, સોલાર ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ૩.૫૦ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસમાં ૪.૬૦ ટકા, ટાટા સ્ટીલમાં ૪.૩૬ ટકા, ટાટા મોટર્સમાં ૪.૨૧ ટકા અને JSWમાં ૪.૨૬ ટકાનો વધારો થયો છે.
બુધવારના વધારા પછી, ગુરુવારે વૈશ્વિક બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ ૧૦૦૦ પોઈન્ટથી વધુ ઘટયો. ત્યાં તે ૩ થી ૪ ટકા ઘટયું. આ ઉપરાંત એશિયન બજારમાં ઘટાડો જોવા મળ્યો. જાપાનનો નિક્કી ૧૪૦૦ પોઈન્ટ ઘટયો હતો. તે જ સમયે, ચીનના શેરબજારમાં થોડો વધારો જોવા મળ્યો છે.