એક ઐતિહાસિક પગલું ભરતાં અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્ક ૧૪ એપ્રિલને ડો. ભીમરાવ રામજી આંબેડકરના જન્મદિવસને આંબેડકર દિવસ’ તરીકે જાહેર કર્યો છે. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા, જેનાથી તે સત્તાવાર બન્યો છે. આ જાહેરાત ભારતીય મૂળના લોકો માટે માત્ર ગર્વની વાત નથી પણ સમાનતા અને સામાજિક ન્યાયના વિચારને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવવા તરફ એક મહત્ત્વનું પગલું પણ છે. આંબેડકરના વિચારોને વૈશ્વિક પ્લેટફોર્મ પર માન્યતા અપાવવાની આ પહેલથી સમગ્ર ભારતીય સમાજમાં ઉત્સાહ છવાઈ ગયો છે.