
અમદાવાદ શહેરમાં ફરી એક વખત ગુનેગારોની ગેરકાયદે મિલકત પર પોલીસ અને કોર્પોરેશને બુલડોઝર ફેરવ્યું છે. સરખેજ વિસ્તારમાં રહેતા અને 10 વર્ષથી દારૂનો ધંધો કરતા ઉદયસિંહ ધીરાવત અને શંકરલાલનાં ગેરકાયદે ઘર કોર્પોરેશને તોડી પાડ્યાં હતાં. આરોપીઓ અને તેના પરિવાર સામે અંદાજે 50 જેટલા ગુના નોંધાયા છે. ગુનાહિત પ્રવૃત્તિથી ભેગી કરેલી મિલકતો અને ગેરકાયદે ઊભી કરેલી મિલકતોનું પોલીસની હાજરીમાં ડિમોલિશ કરવામાં આવ્યું હતું.
અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાઓના આતંક બાદ સફાળી જાગી ઊઠેલી પોલીસે અલગ અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા 7 હજારથી વધુ લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર કર્યું હતું. આ પૈકીના જે ગુનેગારોએ ગેરકાયદે બાંધકામ ખડક્યાં હોય કે વીજચોરી કરતા હોય તેમની સામે એકશન લેવાનું શરૂ કર્યું હતું. ત્યારે આજે ફરી સરખેજ વિસ્તારમાં આવેલા એલજી કોલેજ પાસે 10 વર્ષથી દારૂના ધંધા સાથે સંકળાયેલા બૂટલેગરનાં ઘર પર બુલડોઝર ફેરવ્યું હતું. પોલીસ અને કોર્પોરેશનની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે ઉદયસિંહ સામે 17, તેના પરિવારના અન્ય સભ્યો સામે 10, જ્યારે શંકરલાલ સામે 10 અને તેના પરિવાર સામે અન્ય ગુનાઓ નોંધાયા છે, જે અંદાજે મળીને 50 જેટલા ગુનાઓ નોંધાયા છે. આ બનાવ અંગે એસીપી એ.બી.વાળંદે જણાવ્યું હતું કે ગુનેગારો સામે અલગ અલગ સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા છે અને અંદાજે 10 વર્ષથી તેઓ આ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. આ અંગેની યાદી કોર્પોરેશનને આપવામાં આવી હતી અને આજે તેમનાં ગેરકાયદે મકાન તોડવામાં આવ્યાં છે.