કોંગ્રેસની મોટી જાહેરાત, ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહી

Spread the love

 

ગુજરાત કોંગ્રેસ હવે સાચા અર્થમાં વિપક્ષ તરીકેની પોતાની ફરજ નિભાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ફરીથી બેઠા થવાના સંકલ્પ સાથે ગુજરાત કોંગ્રેસના સુષુપ્તાવસ્થાને પામી ચુકેલા નેતાઓ ફરી એકવાર બેઠા થયા છે. સત્તાધારી પક્ષ સાથે લડી લેવાના મુડમાં પણ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતની વિસાવદર પેટાચૂંટણીમાં સ્વતંત્ર રીતે લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

આ બેઠક પર તેઓ આમ આદમી પાર્ટી કે અન્ય કોઇ પણ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે.

કોંગ્રેસ કડી અને વિસાવદર પર સ્વતંત્ર ચૂંટણી લડશે.

કોંગ્રેસ તરફથી આ અંગે જાહેરાત કરતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, કોંગ્રેસની પોલિટિકલ અફેરની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કોઇ પણ પક્ષ સાથે ગઠબંધન નહી કરે કે એક પણ સીટ પણ નહી છોડે. કોંગ્રેસ સ્વતંત્ર રીતે લડશે અને કોંગ્રેસ પોતાની તમામ તાકાત કામે લગાડીને આ બેઠકો જીતશે. કોંગ્રેસનો દરેકે દરેક કાર્યકર આ બે સીટો માટે દિવસરાત મહેનત કરશે.

કોંગ્રેસમાં લાગવગ કે શોર્ટકટથી હવે કોઇ પદ નહી મળે.

શક્તિસિંહે જણાવ્યું કે, કોંગ્રેસને બેઠી કરવા માટે ટેલેન્ટ હન્ટ અને કાર્યકરો સાથેની વાતચીતના આધારે હવે નાના સ્તરેથી માંડીને મોટા સ્તર સુધી નેતાઓની નિમણુંક કરવામાં આવશે. જે સક્ષમ હશે તેને જ પદ મળશે કોઇ લાગવગ કે અન્ય કોઇ શોર્ટકર્ટથી કોંગ્રેસમાં પ્રવેશ કે પદ નહી મળી શકે. ગુજરાતમાં હાલ કોંગ્રેસ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. તેમાં કોંગ્રેસ સાથે કોઇ જ સંકલન કરામાં આવ્યું નથી. આમ પણ ગુજરાતમા ત્રીજો પક્ષ ક્યારે પણ સફળ રહ્યો નથી.

હરિયાણામાં આપે અમને હરાવ્યા

હરિયાણામાં કોંગ્રેસની સ્પષ્ટ સરકાર બની રહી હતી. જ્યાં આપનું સંગઠન જ નહોતું તેમ છતા તેમણે ઉમેદવારો ઉભા રાખીને બાઝી બગાડી હતી. તેમને વારંવાર સમજાવવા છતા તેઓ માન્યા નહી અને હરિયાણા ગુમાવવાનો વારો આવ્યો. ઇન્ડિયા ગઠબંધનમાં ખભે ખભો મિલાવીને લડવાની વાત હતી. ભરૂચમાં અહેમદ પટેલ પરિવાર માટે ભારોભાર લાગણી હોવા છતા અમે ગઠબંધન ધર્મ નિભાવ્યો અને તે સીટ છોડી દીધી હતી. જો કે આ સીટ પર પણ તેઓ નિષ્ફળ રહ્યા. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ રહ્યો નથી. તે કેશુભાઇ પટેલ હોય, ગોરધન ઝડફીયા હોય કે શંકરસિંહ વાઘેલા હોય. કેશુબાપા કદ્દાવર પાટીદાર અગ્રણી હોવા છતા તેમની જીપીપી પાર્ટી વધારે કાંઇ પ્રદર્શન કરી શકી નહોતી. તેથી પાટીદારો ત્રીજા પક્ષને મત નહી આપતા હોવાનું ફલિત થાય છે. જેથી કડી અને વિસાવદર બંન્ને સીટો પાટીદાર બહુમતીવાળી સીટો છે. અહીં કોંગ્રેસ સ્વતંત્ર રીતે લડશે.

કોંગ્રેસ નેતાઓમાં કોઇ નારાજગી નહી.

કોંગ્રેસમા નિરીક્ષકો અંગે નારાજગી અંગે વાત કરતા શક્તિસિંહે કહ્યું કે, કોઇ પણ નેતા કે નિરીક્ષકોમા કોઇ પણ પ્રકારની નારાજગી નથી. જેમને જે જવાબદારી સોંપવામાં આવી છે તે જવાબદારી તેઓ નિભાવશે. હાલ રાહુલ ગાંધીએ કહ્યું તે પ્રકારે અંદર અંદર લડવાનો નહી પરંતુ સરમુખત્યારશાહી ચલાવી રહેલી ભાજપ સરકાર સામે લડવાનો છે. કોઇ પણ સ્થિતિમા ભાજપ સામે લડવાનું છે. જેથી કોઇ નેતાના મનમાં ઉંડે ઉંડે પણ કોઇ પ્રકારનો અસંતોષ હોય તો કૃપા કરીને અત્યારે તે માત્ર કોંગ્રેસને કઇ રીતે જીતાડી શકાય તેના પર જ ધ્યાન આપે. ત્યાર બાદ તમામ નિર્ણયો સાથે મળીને લઇશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *