
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું સૂકાન સંભાળ્યું તે દિવસથી વિશ્વભરના દેશોને અસર કરતા નિર્ણય લઇ રહ્યા છે. તમામ દેશોમાંથી અમેરિકામાં આવતા માલ પર ટેરિફ વધારવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે, સલાહકારોનું માનીને ટ્રમ્પે માત્ર ચાઇનાને બાદ કરતા દુનિયાના તમામ દેશો પરનો ટેરિફ વધારો ૯૦ દિવસ માટે સ્થગિત કરી દીધો છે. તેને પગલે હાલ રાહત થઇ છે. હવે ભારત સહિત દુનિયાભરના દેશો પોતાનો જે માલ સામાન અમેરિકા મોકલવા માગી રહ્યા છે, તે જૂના ટેરિફમાં જ મોકલી દેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેને પગલે કન્ટેનરના ભાવ વધી ગયા છે અને ટ્રાન્સપોર્ટેશન પણ વધી ગયું છે. ૨૦ ફૂટના કન્ટેનરનો ચાર્જ ૨૦૦૦થી ૨૨૦૦ ડોલર વસૂલાતો હતો તે હવે ૨૮૦૦ ડોલર થઇ ગયો છે. જ્યારે ૪૦ ફૂટના કન્ટેનરનો ચાર્જ ૨૪૦૦ ડોલર હતો તે વધીને 3000 ડોલર થઇ ગયો છે. કન્ટેનર માટે પણ વેઇટિંગ છે.
દુનિયાભરના લોકોને અમેરિકા સાથે વેપાર-ધંધો કરવો છે. દરેક દેશ આયાત થતા માલ પર ટેરિફ નાખતો હોય છે પરંતુ ટ્રમ્પે ચાર્જ સંભાળતા જ ટેરિફ વધારવાની જાહેરાત કરી દીધી હતી. જેને પગલે હાલ વિશ્વમાં ટેરિફ વોરના પડઘમ શરૂ થઇ ગયા છે. જોકે, ટ્રમ્પ સરકારે ૯૦ દિવસ માટે ટેરિફમાં કોઇ જ વધારો ન કરવાની જાહેરાત કરી છે. જેને લઇને ભારત સહિત દુનિયાભરના દેશના વેપારીઓ ટેરિફની અસર પડે તે પહેલાં પોતાનો માલ અમેરિકા પહોંચાડવાના કામે લાગી ગયા છે.
બીજી તરફ, તરફ માલ સપ્લાય માટે કન્ટેનર પ્રોવાઇડ કરતી કંપનીઓ પાસે ચોક્કસ સંખ્યામાં જ કન્ટેનર છે. હવે કન્ટેનરની અછત ઊભી થઇ છે. આ અછતને લઇને કન્ટેનર ચાર્જમાં વધારો થયો છે. આયાત નિકાસના એક્સપર્ટસ જણાવી રહ્યા છે કે, વર્તમાન સમયમાં ૯૦ દિવસની લિમિટમાં અમેરિકા માલ મોકલવા માટે કન્ટેનર મળતા નથી. પહેલાં જે ૨૦ ફૂટના કન્ટેનર માટે વેપારીઓને ૨૦૦૦થી ૨૨૦૦ ડોલર ચૂકવવા પડતા હતા તેના બદલે હવે ૨૮૦૦ ડોલર ચૂકવવા પડી રહ્યા છે. આવી જ રીતે અમેરિકા-કનેડા મોકલાતા ૪૦ ફૂટના કન્ટેનરના ૨૪૦૦ ડોલર ચૂકવવા પડતા હતા તેના હવે 3000 ડોલર ચૂકવવા પડી રહ્યા છે. આ ઉપરાંત જ્યાંથી કન્ટેનર મોકલવામાં આવતા હોય તે આઇસીડીમાં પણ કન્ટેનરનો ભરાવો થઇ ગયો છે. હવે જોવાનું એ રહ્યું કે ૯૦ દિવસ પછી ટેરિફમાં શું ફેર આવે છે.
કન્ટેનરમાં જ્યારે વિદેશમાં માલ મોકલવામાં આવે ત્યારે કન્ટેનર પ્રાઇમ ચાર્જ, સરચાર્જ અને ટર્મિનલ હેન્ડલિંગ ચાર્જ આમ ત્રણ ચાર્જ ચૂકવાતા હોય છે. તમામ કન્ટેનર અમેરિકા તરફ જઈ રહ્યા હોવાથી દુનિયાના અન્ય દેશોની આયાત નિકાસ માટે પણ કન્ટેનરની અછત ઊભી થઇ છે.