
અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે વધુ વકર્યો છે અને મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ સોમવારે (21 એપ્રિલ) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર પર 2.2 અબજ અમેરિકી ડોલર (લગભગ 18 હજાર કરોડ રૂપિયા) નું ભંડોળ રોકવા બદલ મુકદ્દમો દાખલ કર્યો છે. યુનિવર્સિટીના પ્રમુખ એલન એમ ગાર્બરે ટ્રમ્પ વહીવટીતંત્ર પર અભૂતપૂર્વ અને ગેરવાજબી નિયંત્રણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે સરકારની આ કાર્યવાહીના ગંભીર અને લાંબા ગાળાના પરિણામો આવશે.
હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ વહીવટીતંત્ર વિરુદ્ધ ફેડરલ કોર્ટમાં મુકદ્દમો દાખલ કર્યો છે, જેમાં જણાવ્યું છે કે ટ્રમ્પ વહીવટીતંત્રે ફેડરલ ભંડોળના રૂપમાં અબજો ડોલર રોકીને સંસ્થાના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. આ મુકદ્મો ટ્રમ્પ વહીવટીતંત્રની તે કાર્યવાહીના જવાબમાં દાખલ કરવામાં આવ્યો છે, જેમાં તેણે હાર્વર્ડને આપવામાં આવતા 9 અબજ ડોલરના ભંડોળની સમીક્ષા શરૂ કરી હતી અને 2.3 અબજ ડોલરનું ભંડોળ પહેલાથી જ સ્થગિત કરી દીધું હતું. હાર્વર્ડનો દાવો છે કે આ કાર્યવાહી યુનિવર્સિટીની સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને નબળી પાડે છે.
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર, હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રમુખ એલન ગાબર કોમ્યુનિટી મેસેજમાં કહ્યું. ‘સરકારના અતિક્રમણના પરિણામો ગંભીર અને દીર્ઘકાલીન હશે.” ગાબર દલીલ કરી હતી કે ભંડોળમાં કાપ મૂકવાના કારણે બાળ કેન્સર, ચેપી રોગ ફાટી નીકળવા અને ઘાયલ સૈનિકોની પીડા ઓછી કરવા સહિતના ઘણા સંશોધનો જોખમમાં છે. તેમણે કહ્યું કે ફેડરલ રિસર્ચ ફંડિંગમાં અબજો ડોલરની રોકથી હાર્વર્ડના સંશોધન કાર્યક્રમો, તેના લાભાર્થીઓ, નવીનતા અને પ્રગતિને લઈને મહત્વપૂર્ણ પરિણામો આવશે. હાર્વર્ડે આરોપ લગાવ્યો કે વહીવટીતંત્રે ભંડોળને હથિયાર બનાવીને યુનિવર્સિટીના શૈક્ષણિક નિર્ણયો પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કર્યો છે.
સમગ્ર મામલો શું છે? ટ્રમ્પ વહીવટીતંત્રે 11 એપ્રિલે હાર્વર્ડ યુનિવર્સિટીને પત્ર લખીને કહ્યું હતું કે યુનિવર્સિટીમાં મોટા પાયે સુધારા કરવાની અને પ્રવેશ માટેની નીતિઓમાં ફેરફાર કરવાની જરૂર છે. વહીવટીતંત્રે કહ્યું હતું કે યુનિવર્સિટીમાં કેટલાક વિદ્યાર્થી ક્લબને માન્યતા આપવી જોઈએ નહીં. ડોનાલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીને એક પત્ર લખીને માંગ કરી હતી કે યુનિવર્સિટી કેમ્પસમાં વિવિધતા પરના વિચારોનું ઓડિટ કરે અને કેટલાક વિદ્યાર્થી ક્લબને માન્યતા આપવાનું બંધ કરે. આ પહેલાં ટ્રમ્પ વહીવટીતંત્રે 3 એપ્રિલે યુનિવર્સિટી સમક્ષ માંગણી મૂકી હતી કે યુનિવર્સિટીના ગવર્નન્સ, પ્રવેશ અને ભરતી પ્રક્રિયા પર સરકારને નિયંત્રણ આપવામાં આવે અને તેમાં મોટો બદલાવ કરવામાં આવે. આ ઉપરાંત ડાયવર્સિટી ઓફિસ બંધ કરવાની અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની તપાસમાં ઇમિગ્રેશન અધિકારીઓને મદદ કરવાની માંગ પણ કરવામાં આવી હતી. હાવર્ડે આ માંગણીઓને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધી હતી.
આ પછી ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ યુનિવર્સિટીને મળતી 2.2 અબજ ડોલરથી વધુની ગ્રાન્ટ અટકાવી દીધી હતી. ટ્રમ્પની ‘જોઈન્ટ ટાસ્ક ફોર્સ ટુ કોમ્બેટ એન્ટિ-સેમેટિઝમ’ એ નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે હાર્વર્ડને મળતી 2.2 અબજ ડોલરની મલ્ટી-યર ગ્રાન્ટ અને 6 કરોડ ડોલરના સરકારી કોન્ટ્રાકટનું ભંડોળ રોકી દેવામાં આવ્યું છે. ટાસ્ક ફોર્સે કહ્યું કે હાર્વર્ડનું નિવેદન આપણા દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ફેલાયેલી એક ચિંતાજનક માનસિકતા દર્શાવે છે. તે દવિ છે કે તેઓ સરકારી ભંડોળ તો મેળવવા માંગે છે, પરંતુ કાયદાઓનું પાલન કરવાની જવાબદારી લેવા માંગતા નથી.