
ટેક્નોલોજીના આ યુગમાં, જ્યારે સાયબર ફ્રોડની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે સાયબર સુરક્ષાનું મહત્વ પણ એટલું જ વધ્યું છે. આવા સમયે રાજકોટના એક 21 વર્ષીય યુવકે સાયબર સિક્યોરિટીના ક્ષેત્રે એવી સિદ્ધિ હાંસલ કરી છે કે જેનાથી ભારતનું નામ વિશ્વભરમાં ગુંજી ઉઠ્યું છે. સર્વજ્ઞ નામના આ યુવકે અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર સ્ટાન્ડર્ડ એન્ડ ટેક્નોલોજી (NIST)ની વેબસાઇટમાં એક ગંભીર ભૂલ શોધી કાઢી, જેના કારણે તેને વિશ્વ સ્તરે હોલ ઓફ ફ્રેમ સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યો છે.
સર્વજ્ઞ, જે હાલ ન્યૂજર્સીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે, તેણે સાયબર સિક્યોરિટીની ભાષામાં ‘બગ’ તરીકે ઓળખાતી આ ભૂલ શોધીને એક મહત્વપૂર્ણ સફળતા મેળવી. આ બગ એટલું ગંભીર હતું કે, જો તેને દૂર ન કરવામાં આવ્યું હોત તો વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને નાસા (NASA) જેવી સંસ્થાઓની વેબસાઇટ હેક થવાનો મોટો ખતરો હતો.
સર્વજ્ઞની આ શોધથી WHO અને નાસાની વેબસાઇટનો કંટ્રોલ તેના હાથમાં આવી ગયો હતો. જોકે, તેણે આ તકનો દુરુપયોગ કરવાને બદલે, એક વિગતવાર રિસર્ચ રિપોર્ટ તૈયાર કરીને WHOને મોકલ્યો. આ રિપોર્ટના આધારે WHOએ તેની વેબસાઇટની સુરક્ષા મજબૂત કરી અને સર્વજ્ઞને હોલ ઓફ ફેમમાં સ્થાન આપ્યું.
સર્વજ્ઞનો આ પ્રવાસ રાજકોટના એક નાગર બ્રાહ્મણ પરિવારથી શરૂ થયો. નાનપણથી જ તેને સાયબર સિક્યોરિટી અને ટેક્નોલોજીના નવા રિસર્ચમાં રસ હતો. ગાંધીનગરમાં બી.ટેકના અભ્યાસ દરમિયાન તેણે સાયબર સિક્યોરિટી ક્લબની સ્થાપના કરી, જેના દ્વારા તેણે અનેક વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે પ્રેરણા આપી. બી.ટેક પૂર્ણ કર્યા બાદ, તેણે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)માં 6 મહિનાની ઇન્ટર્નશિપ કરી અને બેંગ્લોરમાં રિસર્ચ પેપર સબમિટ કર્યા.
આ ઉપરાંત, નેધરલેન્ડ સરકારે પણ તેની પ્રતિભાને ઓળખીને એક ટી-શર્ટ અને પ્રશંસાપત્ર આપીને સન્માનિત કર્યો હતો. સર્વજ્ઞની આ સિદ્ધિએ તેનું નામ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અમેરિકામાં પણ ‘બગ ડિસ્કવર’ તરીકે નોંધાવ્યું છે. NIST જેવી અગ્રણી સંસ્થામાં તેનું નામ નોંધાવવું એ રાજકોટના આ યુવક માટે ગૌરવની વાત છે. તેની આ સફળતાએ યુવાનોને સાયબર સિક્યોરિટીના ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપી છે. સર્વજ્ઞની આ વૈશ્વિક સિદ્ધિ રાજકોટ અને ગુજરાત માટે ગર્વનું કારણ બની છે.