યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસ એક્ઝામ (CSE)નું ફાઈલન પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશમાંથી કુલ 1009 ઉમેદવારો પૈકી 241 જ ઉતીર્ણ થયા છે. જે પૈકી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની શક્તિ દુબેએ ઑલ ઈન્ડિયામાં પ્રથમ રેન્ક હાંસલ કર્યો છે. જો ગુજરાતની વાત કરીએ તો, UPSC પરિણામમાં ગુજરાતના પણ 26 ઉમેદવારો ઉતીર્ણ થયા છે, જે પૈકી 3 તો ટૉપ 30માં સામેલ છે.
જેમાં અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલના પુત્રએ પણ UPSC ક્રેક કરી છે.
અમદાવાદ શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુભાષ યાદવાના પુત્ર અંશુલ યાદવે આજે જાહેર થયેલા UPSCના પરિણામમાં 473મો રેન્ક હાંસલ કર્યો છે.
શાહીબાગ સ્થિતિ કેન્દ્રિય વિદ્યાલયમાં સ્કૂલનું શિક્ષણ મેળવ્યા બાદ અંશુલ યાદવે IIT દિલ્હીથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. જે બાદ એક વર્ષ માટે બેંગ્લુરુમાં સૉફ્ટવેર એન્જિનિયર તરીકે જૉબ પણ કરી હતી.
અંશુલ યાદવે જણાવ્યું કે, બેંગ્લુરુમાં મારી જૉબમાં હું ખૂબ જ વ્યસ્ત રહેતો હતો. આથી મને લાગ્યું કે, મારે આટલો જ સમય દેશ માટે પણ આપવો જોઈએ. જો એવું કામ કરવાની મને તક મળશે, તો તેને મને સંતોષ પણ વધારે થશે. આખરે મેં UPSCની તૈયારી શરૂ કરી.