યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસિઝ એક્ઝામિનેશન (CSE)નું અંતિમ પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશભરમાંથી કુલ 241 ઉમેદવારો પાસ થયા છે, જે પૈકી ટૉપ 30માં 3 ગુજરાતીઓ પણ સામેલ છે. ભારતની સૌથી અઘરી પરીક્ષાઓમાં UPSCની ગણના થાય છે, જેને પાસ કરવી લાખો લોકોનું સપનું હોય છે. જો કે આજે જ્યારથી પરિણામ જાહેર થયા, ત્યારથી UPSC ટૉપર્સની સફળતાની ચર્ચા ચોતરફ થઈ રહી છે.
એવામાં આપણે ગુજરાતના પાટણ જિલ્લાના નાના એવા કુણઘેર ગામના અંકિત વાણીયાની સંઘર્ષ ગાથા પર એક નજર નાંખીએ…
પાટણ જિલ્લાના કુણઘેર ગામના અંકિત વાણિયાએ UPSCમાં 607મો રેન્ક હાંસલ કર્યો છે. ખાસ વાત એ છે કે, અંકિતે સરકારી શાળામાં અભ્યાસ કરીને કોઈપણ જાતના ટ્યૂશન વિના આ સફળતા હાંસલ કરી છે.
પોતાની સફળતા વિશે વાત કરતાં અંકિતે જણાવ્યું કે, UPSC ક્રેક કરવા માટે મેં ગુજરાત સરકારમાં ક્લાસ-3ના અધિકારી તરીકેની જોબ પણ છોડી દીધી હતી. જે બાદ છેલ્લા ચાર વર્ષથી મેં UPSC માટે તૈયારી શરૂ કરી દીધી હતી. આ માટે મે SPIPAમાં અભ્યાસ કર્યો હતો.
ગુજરાત સરકારમાં ક્લાસ-3ના અધિકારી તરીકે કલેક્ટર અને કમિશનર જેવા અધિકારીઓ સાથે મળવાનું થતું. આથી લાગ્યું કે, હજું હું આ ક્ષેત્રમાં ઘણું કરી શકું તેમ છું. જે બાદ મેં UPSC ક્રેક કરવા માટે સરકારી નોકરી છોડવાનું બોલ્ડ ડિસિઝન લીધુ. જો કે મારી આ સફળતામાં મારા પરિવારનો પણ સપોર્ટ ખૂબ જ મળ્યો છે.
વધુમાં અંકિત વાણિયાએ જણાવ્યું કે, હું એવા ફેમિલી બેક ગ્રાઉન્ડમાંથી આવું છે, જેમાં UPSC ક્રેક કરવું એક સપના સમાન હતું. મારા માતા અમારા કુણઘેર ગામમાં આવેલા સુપ્રસિદ્ધ ચુડેલ માતાના મંદિર બહાર લારી લઈને રમકડા વેચતા હતા. જ્યારે મારા પિતા LICમાં પટ્ટાવાળા હતા. જો કે મારા પિતાને પ્રમોશન મળતા તેઓ રેકોર્ડ ક્લાર્ક બની ગયા. જે બાદ મ્યુનિસિપલ ચીફ ઑફિસર તરીકે મારું સિલેક્શન થતા મારો આત્મવિશ્વાસ વધ્યો.