
અમદાવાદ
હર્ષ સંઘવીએ કહ્યું કે, કાશ્મીર પ્રવાસે ગયેલા પર્યટકોને ટાર્ગેટ કરીને ધર્મના આધારે કાયરતા પૂર્વક આ હુમલો કરાયો છે ઈજાગ્રસ્ત પર્યટકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ પર્યટકોના મોત થયા છે. આ હુમલાથી સમગ્ર દેશમાં શોકની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઘટનાને વખોડી કાઢીને કડક શબ્દોમાં સંદેશો આપ્યો છે.
ઋષિકેશ પટેલે કહ્યું કે, ઘટનાની કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન દ્વારા ગંભીરતાથી નોંધ લેવાઈ રહી છે. વડાપ્રધાન મોદીએ પોતાનો સાઉદી અરેબિયાનો વિદેશ પ્રવાસ રદ કરીને વતન પરત ફર્યા છે. મૃતકોમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે અને તેમના મૃતદેહ વતન પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા કેન્દ્ર સરકારે હાથ ધરી છે. ભૂતકાળમાં થયેલી આવી દહેશતવાદી ઘટનાઓનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે અને આ ઘટનાનો પણ મુહતોડ જવાબ આપવામાં આવશે.
હર્ષ સંઘવીએ કહ્યું કે, કાશ્મીર પ્રવાસે ગયેલા પર્યટકોને ટાર્ગેટ કરીને ધર્મના આધારે કાયરતા પૂર્વક આ હુમલો કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત પર્યટકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના પર્યટકોને વતન પરત લાવવાના પ્રયાસો ઝડપી બનાવવા તાકીદ કરી છે. મોદી સરકારના ટ્રેક રેકોર્ડ મુજબ એક એક આતંકવાદીને શોધીને જવાબ અપાશે. ૧૦૦ ટકા
ન્યાય થશે અને કાયરોને તેમની કરતૂતો માટે પસ્તાવો કરવો પડશે.