
જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે. જેમાં ગુજરાતના 3 પ્રવાસીઓ પણ મૃત્યુ પામ્યા છે. આ મૃતકોમાંથી 2 લોકો ભાવનગરના રહેવાસી હતા. મોરારીબાપુએ આંતકી હુમલાની નિંદા કરી છે. મૃતકોને મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ આપી છે. ઘાયલો ઝડપી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી છે. પીડિતોના પરિવારના લોકો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે. શ્રદ્ધાંજલિ આપતા મોરારીબાપુ ભાવુક થઈ ગયા હતા. મોરારીબાપુએ મૃતકોના પરિવારોને 5 લાખ આપવાની જાહેરાત કરી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરના પિતા-પુત્ર મોરારીબાપુની કથા સાંભળવા માટે ગયા હતા. ત્યારે આંતકવાદી હુમલામાં તેમનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે 27 મૃતકોમાં 2 મૃતક વિદેશી હોવાનું પણ સામે આવ્યું છે. સુરતના રહેવાસી શૈલેષ કલાઠીયા પણ આ હુમલામાં મોતને ભેટ્યા છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતા શૈલેષ મુંબઈની એક ખાનગી બેંકમાં નોકરી કરતા હતા અને પરિવાર સાથે મુંબઈમાં સ્થાયી થયા હતા. તાજેતરમાં પરિવાર સાથે ફરવા માટે કાશ્મીર ગયા હતા, ત્યારે આ દુર્ભાગ્યપૂર્ણ હુમલામાં તેઓ આતંકીઓની ગોળીનો શિકાર બન્યા. આ સમાચાર મળતાં જ સુરતના તેમના મકાન નજીક શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા તેમના સુરત સ્થિત નિવાસસ્થાને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પરિવારને હાલ પોલીસ સુરક્ષા આપવામાં આવી રહી છે.