
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શ્રી માતા વૈષ્ણોદેવી ભવન પર યાત્રાળુઓની સુરક્ષાને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંદર્ભે શ્રાઈન બોર્ડે સુરક્ષા અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં વૈષ્ણોદેવી ભવન પરિસરની સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને યાત્રાળુઓની સલામતી માટે અદ્યતન ટેકનોલોજી લાવવા અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, એક ટોચના અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે વૈષ્ણોદેવીના યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રિયાસી જિલ્લાના કટરા શહેરમાં મેના પ્રથમ સપ્તાહ સુધીમાં એક કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર કાર્યરત થઈ જશે.
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ (SMVDK) ના સીઈઓ અંશુલ ગર્ગના અધ્યક્ષસ્થાને યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકમાં ગુફા મંદિરની સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સુરક્ષા એજન્સીઓ, સેના, ગુપ્તચર સેવાઓ અને નાગરિક વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હતા. ગર્ગે જણાવ્યું હતું કે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે (SMVDSB) શુક્રવારે સુરક્ષિત અને સુચારૂ યાત્રા સુનિશ્ચિત કરવા અને વધુ સુરક્ષા પગલાંનું મૂલ્યાંકન કરવા માટે કટરામાં એક સંયુક્ત સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી.
શ્રાઈન બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે કટરામાં સંકલિત કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર (ICCC) ને સમયસર કાર્યરત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને તેને મેના પ્રથમ સપ્તાહ સુધીમાં તૈયાર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કેન્દ્ર દ્વારા ખતરા અને કટોકટીની પરિસ્થિતિઓ પર તાત્કાલિક કાબૂ મેળવી શકાશે. આ સાથે જ અંશુલ ગર્ગે જણાવ્યું હતું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને AI-સંચાલિત કેન્દ્રમાં જેસ્ચર અને ફેસ રેકગ્નિશન PTZ (Pan, Tilt and Zoom) જેવી અદ્યતન ટેકનોલોજી લગાવવામાં આવશે. આ અત્યાધુનિક દેખરેખ ક્ષમતાઓથી સજ્જ 700 CCTV કેમેરાના નેટવર્ક દ્વારા વાસ્તવિક સમયની દેખરેખને સક્ષમ કરશે. જેનાથી યાત્રાળુઓમાં શંકાસ્પદ લોકો પર નજર રાખી શકાશે.
બેઠકમાં અન્ય શું ચર્ચા થઈ? તીર્થસ્થાન બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે બનાવટી ઓળખને રોકવા અને માત્ર અધિકૃત સેવા પ્રદાતાઓને જ મંજૂરી આપવા માટે ‘પિટ્ટુ’ (કુલી) અને ટટ્ટુવાળાઓની વિશ્વસનીયતા ચકાસવાની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચામાં ક્ષેત્રનું વર્ચસ્વ. ડ્રોન દેખરેખ અને વધારાના સુરક્ષા કર્મચારીઓની તૈનાતીનો પણ સમાવેશ થતો હતો. તેમણે કહ્યું હતું કે ખતરાને રોકવા અને ઉચ્ચ સુરક્ષા ધોરણો જાળવવા માટે AI-સંચાલિત દેખરેખ અને ડેટા એનાલિટિક્સ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક્સ-રે બેગેજ સ્કેનર, મેટલ ડિટેક્ટર, અંડર-વ્હીકલ સર્ચ મિરર અને જિયો-ફેન્સિંગ ટેકનોલોજી જેવા નવા સ્થાપિત સાધનોના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.