ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો-કન્વીનર , કો-ઓર્ડીનેટર અને પ્રવકતા શ્રી હેમાંગ રાવલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ભારતમાં ભાષાવાર બોલનાર લોકોની સંખ્યાની ધ્ષ્ટ્રિએ ગુજરાતી ભાષા છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. જે ભારતની વસતીના લગભગ ૪.૫ ટકા થવા જાય છે.
સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૭ કરોડ જેટલી છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા તરીકેનું સ્થાન ધરાવે છે.
તાજેતરમાં જી.પી.એસ.સી.ની વર્ગ ૧ અને રની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી ભાષાને મેરિટમાંથી હટાવી લઈને એમાં ૨૫% ગુણ મેળવી પાસ થવા સુધીનું લઘુતમ ધોરણ જરૂરી ગણવામાં આવ્યું છે. તા. ૩-૩-૨૦૨૫ના ગુજરાત સરકારના એકસ્ટ્રા ઓર્ડીનરી ગેઝેટથી નક્કી કરેલી ગુજરાતી વહીવટી સંવર્ગની વર્ગ ૧ અને ૨ અને ગુજરાત નગરપાલિકા ચીફ ઓફિસરની ભરતી પરીક્ષાઓના નિયમો, ૨૦૨૫ની જોગવાઈઓ મુજબ સેકશન આઈઆઈટીમાં પેપર નંબર ૧ અને ૨, અનુક્રમે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાનાં બંને પેપરમાં હવે ૩૦૦માંથી માટે ફકત ૨૫% મેળવ્યા હશે તો પણ પાસ ગણાશે.
એકબાજુ આ જોગવાઈ કરવાથી હવે ગુજરાતી ભાષાના ગુણ મેરિટમાં નહીં ગણાય પરિણામે વિધાર્થીઓ ગુજરાતીમાં પ્રવીણતા મેળવવા તરફ દુર્લક્ષ સેવશે. બીજી બાજુ જે કોઈ જી.પી.એસ.સી.ની વર્ગ ૧ અને રની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થશે એ ગુજરાતી ભાંગ્યું તૂટું લખતા હશે.
હવે ગુજરાતી ભાષાના ગુણ મેરિટમાં નહીં
ગુજરાતની સ્થાપના પછી ગુજરાતમાં ૧૯૬૧ની ૧૫મી ફેબ્રુઆરીથી, ધ ગુજરાત ઓફીસીયલ લેંગવેજીસ એકટ અમલમાં છે. આ કાયદાની કલમ ૨ મુજબ ગુજરાત રાયના તમામ સત્તાવાર હેતુઓ માટે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવશે આમ આ બાબતમાં હવે નિયમ અને કાયદો એકબીજાના વિરોધાભાસી બની રહેશે.
સર્વે મુજબ ૧૪ થી ૧૮ વર્ષના ૨૫ ટકા બાળકો માતૃભાષા વાંચી શકતા નથી
હાલ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ગુજરાતી ફરજીયાત ભણાવવામાં આવે તે માટે ધ ગુજરાત કમ્પલસરી ટીચીંગ એન્ડ લનગ ઓફ ગુજરાતી લેંગ્વેજ બીલ-૨૦૨૩ અમલમાં છે. આ અમલવારીને હજી બે વર્ષ થયા છે છતાં પણ ઘણી સીબીએસસી અને ઇન્ટરનેશનલ બોર્ડની શાળાઓમાં હજી પણ ગુજરાતી વિષયને ભણાવવામાં આવતો નથી. ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં બે લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા હતા. તાજેતરમાં આવેલા સર્વે મુજબ ૧૪ થી ૧૮ વર્ષના ૨૫ ટકા બાળકો માતૃભાષા વાંચી શકતા નથી.
ગુજરાતના દરેક ગામે ગામ પુસ્તકાલય બનાવવાની તાકીદે જરૂર
માતૃભાષાથી બાળકો કેળવાય તેના માટે ભારતના અનેક રાયોમાં ગ્રંથાલય ધારો પસાર કરેલ છે અને તેના મુજબ રાયમાં જેટલા ગામ હોય તેટલા ગામમાં લાઈબ્રેરી ફરજિયાત હોવી જોઈએ ગુજરાતમાં પણ ગુજરાતી ભાષાના વિકાસ માટે આવા પ્રકારનો ધારો અસ્તિત્વમાં લાવી ગુજરાતના દરેક ગામે ગામ પુસ્તકાલય બનાવવાની તાકીદે જરૂર છે.
દુકાનોના બોર્ડ ગુજરાતીમાં જ લખાય એ મુજબનો એક આદેશ પસાર કર્યેા હતો
થોડાક સમય પહેલાં રાજ્ય સરકારે ગુજરાતમાં જાહેર સ્થળોના બોર્ડ, યુનિવર્સિટી, સંસ્થાઓ, દુકાનોના બોર્ડ ગુજરાતીમાં જ લખાય એ મુજબનો એક આદેશ પસાર કર્યેા હતો. પરંતુ આ આદેશને કોઈએ ગંભીરતાથી લીધો નથી. તે બાબતે ગંભીરતાથી લઈને અન્ય રાયોની જેમ ગુજરાતમાં પણ શોપ્સ એન્ડ એસ્ટાબ્લીઝ એકટમાં ફરજિયાત માતૃભાષાને સામેલ કરવી જોઈએ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્રારા સરકાર પાસે માગણી
- રૂપિયા ૧૫ કરોડનું બજેટ ધરાવતી ગુજરાતી સાહિત્ય અકાદમીને સરકારના સકંજામાંથી સ્વાયત કરવામાં આવે.
- દરેક શાળામાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવી તે એકટ નો અમલ થાય તેના માટે કડક પગલાં લેવા
- શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ એકટમાં સુધારો કરી ગુજરાતી ભાષામાં ધંધાકીય બોર્ડ ફરજિયાત કરવામાં આવે.
- અન્ય રાજ્યોની જેમ ગ્રંથાલય ધારો પસાર કરી ગુજરાતના દરેક ગામમાં લાઈબ્રેરી ઊભી કરવામાં આવે.
- તાજેતરમાં થયેલ ભરતી માટેના પરિપત્રમાં ગુજરાતી ભાષાને માત્ર ૨૫% વેઇટેજ આપેલું છે તે રદ કરવામાં આવે.