ચંડોળા તળાવમાં ડિમોલિશન કાર્યવાહી કરાઈ, લલ્લા બિહારીના ધ્વસ્ત થયેલા ગેરકાયદે ફાર્મ હાઉસનું નિરીક્ષણ કર્યું, ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર કાર્યવાહી કરાઈ

Spread the love

 

અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી છે. ત્યારે હવે આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે. અરજદારોએ કહ્યું કાનૂની નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશીઓ હોવાનું પુરવાર થયું નથી. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી. પુનર્વસનની પણ કોઈ વાત નથી. હાઇકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરાઈ છે. આ મામલે આજે સુનાવણી શરૂ થઈ છે. હાલ પોલીસ દ્વારા મીડિયાને કોર્ટ રૂમમાં જતાં અટકાવવામાં આવ્યા છે. શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયા છે. હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. 50 જેસીબી મશીન સાથે AMCની ટીમ પણ હથોડાથી બાંધકામો તોડી રહી છે. મોડીરાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યાં હતાં. વહેલી સવારે 5ઃ30થી ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવાયો હતો. અમદાવાદ શહેરના ઐતિહાસિક તળાવોમાં કાંકરિયા અને ચંડોળા તળાવ છે. 1200 હેક્ટરમાં ફેલાયેલું ચંડોળા તળાવ મુઘલ કાળમાં બનાવવામાં આવ્યું હતું. જો કે, તળાવનું અસ્તિત્વ અમદાવાદની સ્થાપના પહેલાંથી જ હોવાનું કહેવાય છે. માર્ચ-1930માં યોજાયેલી ઐતિહાસિક દાંડી કૂચ વખતે ગાંધીજી તળાવ પાસેના પીપળાના વૃક્ષ નીચે રોકાયા હતા. બાદમાં આ ચંડોળા તળાવની આસપાસ ઝૂંપડપટ્ટી વિસ્તરવા લાગી, જેમાં પાંચેક હજાર લોકો રહેવા લાગ્યા હતાં. ચંડોળા તળાવ પાસે આ વસાહતોને પણ વોર્ડના નામથી ઓળખાય છે. જેમ કે, પેટ્રોલ પંપ પાસે જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે તેને ‘કે વોર્ડ’ કહેવાય છે. તેની બાજુમાં નરસિંહજી મંદિર છે તેને ‘એ વોર્ડ’ કહેવાય છે. તેની બાજુમાં ‘બી વોર્ડ’ છે પછી અંદર ટેકરા પર આવો એટલે ‘જી વોર્ડ’ આવે છે. પછી ‘એફ વોર્ડ’, ‘આઈ વોર્ડ’ અને ‘ડી વોર્ડ’ આવે છે. પછી આયેશા મસ્જિદ આવે છે અને પછી તેના નીચેના ભાગને બંગાળીવાસ કહેવાય છે અને ઉપર ટેકરાવાળા ભાગને નીલગીરીના છાપરા કહેવાય છે, જ્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે.

ગુજરાતમાં સૌથી મોટું મેગા ડિમોલેશન અમદાવાદના ચંડોળા તળાવમાં પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને કરવામાં આવી રહ્યું છે. કાંકરિયા તળાવ પછી અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ ચંડોળા છે. પોલીસનું મેગા ડિમોલેશન ચંડોળા તળાવમાં કયા વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે, તેને લઈને આ સમગ્ર જગ્યા અંગે માહિતી આપી રહ્યું છે.  ચંડોળા તળાવ શહેરનું સૌથી મોટું તળાવમાંથી એક હોવાથી આ તળાવ ચાર અલગ-અલગ વિસ્તારમાં વહેંચાયેલું છે, જેમાં ઇસનપુર, દાણીલીમડા, બહેરામપુરા અને મણિનગરનો ભાગ આવે છે. આ ચંડોળા તળાવ બે ભાગમાં વહેંચાયેલું છે, જેમાં છોટા ચંડોળા તળાવ અને બડા ચંડોળા તળાવ આવેલું છે. પોલીસનું મેગા ડિમોલિશન છોટા ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. મોટું ચંડોળા તળાવ દાણીલીમડા, બહેરામપુરાથી નારોલ તરફ જવાના રોડ ઉપર આવેલું છે. જ્યારે છોટા ચંડોળા તળાવ ઇસનપુર વિસ્તારમાં આવેલું છે. છોટા ચંડોળા તળાવ અંદાજે એક કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ઇસનપુર સૂર્યનગર પોલીસ ચોકીથી મીરાં સિનેમા તરફ જવાના રોડ ઉપર આખો વિસ્તાર આવેલો છે. છોટા ચંડોળા તળાવના વિસ્તારને મિની બાંગ્લાદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ ચંડોળા તળાવની જગ્યા વિશાળ ચંડોળા તળાવનો એક ભાગ છે. 500 મીટરના વિસ્તારમાં આરોપી લલ્લા બિહારીએ તળાવના ભાગમાં કબજો જમાવી દીધો હતો. રાજ્ય સરકાર હસ્તગત આવેલા તળાવમાં રોજના 30થી 40 જેટલા ટ્રેક્ટર માટી નાખીને પુરાણ કરી તેના ઉપર ગેરકાયદેસર મકાનો અને ફાર્મ-હાઉસ તેમજ ઝૂંપડાઓ બનાવી દેવામાં આવ્યા હતા. છોટા ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારી મૂળ બાંગ્લાદેશના રહેવાસીઓને આશરો આપવા માટે આ વિસ્તારનો ઉપયોગ કરતો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *