
જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. અમરેલી SOGએ એક શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી છે, જેમાં તેના વ્હોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં સાત જેટલાં શંકાસ્પદ ગ્રુપ મળતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ, ગેરકાયદે વસવાટ કરતા લોકોની તપાસમાં ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ પર SOGને શંકા ગઇ હતી, જેથી તેના આધાર પુરાવા માગ્યા હતા, જોકે મૌલાનાએ કોઇ આધાર પુરાવા રજૂ ન કરતાં SOGએ ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતાં તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે મૌલાના મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ સામે જાણવાજોગ દાખલ કરીને તેનો મોબાઇલ કબજે લઇને મોબાઇલની ઊંડાણપૂર્વક તપાસ કરતાં એમાંથી સાત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં ગ્રુપ મળ્યાં છે, જેની પોલીસ હાલ તપાસ કરી રહી છે. આ કેસની તપાસ SOGના PI આર.ડી.ચૌધરી ચલાવી રહ્યા છે. આ અંગે અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે જણાવ્યું હતું કે મૌલાનાની શંકાસ્પદ પ્રવૃત્તિઓ લાગતાં એની અટકાયત કરીને પૂછપરછ કરતાં તેનું પાકિસ્તાની કનેક્શન હોવાનું લાગી રહ્યું છે, જોકે હજી તેની પૂછપરછ ચાલુ છે. આ મૌલાના પાકિસ્તાની કનેક્શન ધરાવે છે કે કેમ એ તેની તપાસ બાદ સામે આવશે.