
અમદાવાદમાં ચંડોળા તળાવ પાસેના ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન પોલીસે ગેરકાયદે આવતા બાંગ્લાદેશીઓની મદદ કરનાર લલ્લા બિહારી રાજસ્થાનથી ઝડપાયો છે, જ્યારે આ પહેલાં એટલે 29 એપ્રિલે તેના દીકરા ફતેહ મોહંમદની ધરપકડ થઈ ચૂકી છે. અમદાવાદના ચંડોળા તળાવને બાંગ્લાદેશીઓનો ગઢ બનાવનાર લલ્લાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સત્તાવાર ધરપકડ કરી છે. હવે બાંગ્લાદેશના આખા રેકેટની વિગતો સામે આવશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ટીમ રાજસ્થાનથી અમદાવાદ લઈને આવી રહી હોવાનો દાવો કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે માત્ર લલ્લા બિહારી જ નહીં, પરંતુ સ્થાનિક, કેટલાક રાજકીય નેતાઓ પણ બાંગ્લાદેશીઓને મદદ કરતા હતા. રાજકીય નેતાઓના કારણે જ બાંગ્લાદેશીઓને ભારતના ડોક્યુમેન્ટ મળતા હતા. આ દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. આગામી દિવસમાં રાજકીય નેતાઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. આ સમગ્ર રેકેટમાં કોઈ સરકારી અધિકારી સંડોવાયેલા હતા કે નહીં એની પણ તપાસ થઈ શકે છે.
ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, લલ્લા બિહારી ટેક્નિકલ સ્પોર્ટના આધારે રાજસ્થાનથી ઝડપાયો છે. લલ્લા બિહારી સામે બે ગુના દાખલ છે. લોકલ નેતાઓ દ્વારા ડોક્યુમેન્ટ માટે લેટરપેડ બનાવી આપ્યા હોવાની વિગત સામે આવી છે. તેઓની તપાસ ચાલી રહી છે. લલ્લા બિહારી રાજસ્થાનમાં તે પોલીસથી છુપાઈને રહેતો હતો. જે દિવસે ફરિયાદ નોંધાઈ તે દિવસે તેણે અમદાવાદ છોડી દીધું હતું. બાંગ્લાદેશી ઘુસાડી દેવામાં કેટલાક એજન્ટ સક્રિય હતા તેનો ડેટા પોલીસ પાસે આવ્યો છે. ભાડા કરાર અને લેટરપેડ સૌથી મહત્વના પુરાવા છે. જે લલ્લા બિહારી કરતો હતો. લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહંમદની પૂછપરછમાં પોલીસને લલ્લા બિહારીનાં 5 ઘરનાં સરનામાં મળ્યાં હતાં. લલ્લા બિહારી આ પાંચ ઘરમાં 4 પત્ની સાથે રહેતો હતો. તેનાં પાંચેય ઘરમાંથી બેંક એકાઉન્ટની માહિતી તેમજ મોટી સંખ્યામાં બિલ બુકો મળી આવી હતી. જ્યારે દાણીલીમડા નૂર અહેમદી સોસાયટી ખાતેના તેના મકાનમાંથી પૈસા ગણવાનું મશીન, ભાડા કરાર, ભાડાની રસીદો સહિતના થોકબંધ ડોક્યુમેન્ટ મળ્યાં છે. આ સાથે લલ્લા બિહારી પ્રસંગમાં રાજસ્થાનના ગયો હોવાની વાત મળતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી, પણ તે હાથ લાગ્યો નહોતો. પરંતુ હવે તે પોલીસ પકડમાં આવી ગયો છે.