અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. જીઆઇડીસી ફેઝ 4માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. સોલવન્ટ અને ઈથાઈલ કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ફેક્ટરીની આજુબાજુમાં આવેલી ત્રણથી ચાર ફેક્ટરી તેમજ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે. હાલ આ ઘટનામાં બે લોકોને ઈજા થતાં સારવાર અર્થે મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ફેક્ટરીની ચારે તરફથી આગને હાલ કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ લાગવાના ધુમાડા જીઆઇડીસી રોડ ઉપર દૂર દૂર સુધી દેખાવા લાગ્યા હતા.