અરજદારને દબાણ સંદર્ભે તકલીફ હોય તો AMCને રજૂઆત કરે,
વ્યક્તિગત હિતના કારણે PILનો ઉપયોગ થઈ શકે નહીં : ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ
ગુજરાત હાઇકોર્ટે બોપલ સાણંદ રોડ ઉપર દબાણ દૂર કરવાની PIL નકારી દીધી છે. અમદાવાદની એક વ્યક્તિએ એડવોકેટ આદિત્ય ગુપ્તા મારફતે બોપલ સાણંદ રોડ ઉપરથી દબાણ દૂર કરવા માટે જાહેર હીતની અરજી દાખલ કરી હતી. તેમનું કહેવું છે કે આ જાહેર રોડ ઉપર ગેરકાયદે રીતે ફેરિયા, પાનના ગલ્લા, મંદિરો, ઢાબા, ચાની કીટલીઓ, બોરવેલ વગેરે બની ગયું છે. હવે તો ગેરકાયદે પાક્કું બાંધકામ થઈ રહ્યું છે જેથી હાઈકોર્ટ ઓથોરિટીને આ દબાણો 04 અઠવાડીયામાં હટાવવા માટે નિર્દેશ આપે.
આવી પરિસ્થિતિ આખા અમદાવાદની છે. જો કે આ સંદર્ભની જ એક કન્ટેમ્પ્ટ અરજી હાઇકોર્ટમાં પડતર હોવાથી, કોર્ટે તેમાં જોડાવા અરજદારને જણાવ્યું હતું. જો કે સિનિયર એડવોકેટ દ્વારા વિનંતિ કરાતા આ અરજી પર બાદમાં સુનાવણી રાખવામાં આવી હતી. આજે જાણવા મળ્યું હતું કે અરજદાર રિયલ એસ્ટેટ બ્રોકર છે. તેણે વ્યક્તિગત હિતોને લઈને અરજી કરી હતી. તેમાં ફકત જાહેર હિત સામેલ નહોતું. જેથી કોર્ટે PIL નકારી આ સંદર્ભે AMC સમક્ષ રજૂઆત કરવા અરજદારને જણાવ્યું હતું
આ અરજીમાં જણાવાયું હતું કે આ દબાણ સંસ્કારધામ સ્કૂલ પાસે મણીપુર રેલવે અન્ડર પાસ રોડ ઉપર થયું છે. જેને લઈને લોકોને આવવા જવામાં અને વાહન ચલાવવામાં તકલીફો પડે છે. ઈમરજન્સી વાહન પણ પ્રવેશી ન શકે તેવી સ્થિતિ છે.તેમજ કાયદાકી પગલા ભરવામાં આવે તો માથાભારે દબાણકર્તાઓ ઝઘડો કરે તેમ છે. 18 મીટરના રોડને ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 10 મીટરનો કરાયો છે. તેમાં પણ દબાણો થયા છે. દબાણકર્તાઓ રાત્રે ઘોંઘાટ પણ કરે છે.
આ સમસ્યા સંદર્ભે સ્થાનિક ઓથોરિટી અને ગાંધીનગર સુધી પણ રજૂઆત કરવામાં આવી હતી. જો કે તેનું નિરાકરણ ન આવતા હાઈકોર્ટમાં અરજી કરવી પડી છે. દબાણવાળા રોડ પર ત્રણ મંદિરો બની ગયા છે અને બોરવેલ પણ બન્યો છે. દેશી દારૂ વેચાતો હોવાની પણ હકીકત છે. આ અરજીમાં AUDA, AMC , PWD, અમદાવાદ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ ઓફિસર વગેરેને પક્ષકાર બનાવવામાં આવેલ હતા.