
મહેસાણા
વિજાપુર-લાડોલ હાઈવે પર આવેલા CNG પેટ્રોલપંપ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. GJ03HK5976 નંબરની XUV ગાડીના ચાલકે પહેલા એક બાઈક ચાલકને પાછળથી ટક્કર મારી હતી. ત્યારબાદ પેટ્રોલપંપ પાસે આવેલા ગલ્લામાં ગાડી ઘૂસી ગઈ હતી. ગલ્લાના માલિક મહેશકુમાર દેવડા પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ગલ્લા માલિકને શારીરિક ઈજાઓ થઈ હતી અને ગલ્લાને મોટું નુકસાન થયું હતું. બાઈક ચાલકને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત બંને વ્યક્તિઓને પ્રથમ 108 એમ્બ્યુલન્સ મારફતે વિજાપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ગલ્લા માલિકે લાડોલ પોલીસ મથકમાં XUV ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.