
અમદાવાદ
કેન્દ્રીય કેબિનેટે જાતિ આધારિત વસતીગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે. 2011ની વસતીગણતરી મુજબ ગુજરાતમાં કુલ 6.04 કરોડની વસતીમાં સૌથી વધુ 88% હિન્દુ છે. બીજા નંબરે 9.67% મુસ્લિમ છે, જ્યારે ત્રીજા નંબરે 0.96% જૈન છે. ખ્રિસ્તી, શીખ અને બૌદ્ધની સંખ્યા 1 %થી ઓછી નોંધાઈ હતી. 2001ની તુલનામાં રાજ્યમાં હિન્દુઓની વસતી 89.09%થી ઘટી 2011માં 88.57% થઈ હતી, જ્યારે મુસ્લિમોની વસ્તી 9.06%થી વધીને 9.67% થઈ હતી.
2011ની વસતીગણતરી મુજબ, રાજ્યમાં 57.40% લોકો શહેરી અને 42.60% ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. કુલ વસતીમાં 52.10% પુરૂષો અને 47.90% મહિલાઓ છે. રાજ્યમાં દર 1000 પુરૂષે સ્ત્રીઓનું પ્રમાણ 919 નોંધાયું હતું. વિવિધ રિપોર્ટ્સના આધારે રાજ્યમાં હાલમાં સવર્ણોની વસતી અંદાજિત 35થી 40% હોવાનું અનુમાન છે. આ ઉપરાંત ઓબીસીની સંખ્યા 40થી 45%, અનુ. જનજાતિની 14% અને અનુ. જાતિની સંખ્યા 7% હોવાનું અનુમાન છે.
નોંધનીય છે કે, રાજ્યમાં 50% વસતી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બનાસકાંઠા, ભાવનગર, જૂનાગઢ જિલ્લાઓમાં વસવાટ કરે છે. 2011ની વસતી ગણતરી અનુસાર રાજ્યની વસ્તીમાં મુખ્ય કામ કરનારાઓનું પ્રમાણ 33.7 ટકા, સિમાન્ત કામ કરનારાઓનું પ્રમાણ 7.3 ટકા તથા કોઈપણ પ્રકારના કામ નહીં કરનારાઓનું પ્રમાણ 59 ટકા નોંધાયું હતું.
રાજ્યમાં ધર્મ મુજબ વસતી
ધર્મ વસતી પ્રમાણ
હિન્દુ 5.36 કરોડ 88.57%
મુસ્લિમ 58.47 લાખ 9.67%
જૈન 5.80 લાખ 0.96%
ખ્રિસ્તી 3.16 લાખ 0.52%
શીખ 58 હજાર 0.10%
બૌદ્ધ 30 હજાર 0.05%
અન્ય 16 હજાર 0.03%
કુલ 6.04 કરોડ 100%
(સ્રોત: 2011ની વસતિ ગણતરી)