વડોદરા
વડોદરા શહેરમાં હરણી બોટકાંડમાં નિર્દોષ બાળકોની માતાઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગઈ ત્યારે તેમની સાથે થયેલા દુર્વ્યવહારના વિરોધમાં (5 મે) કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું, જોકે પોલીસે નેતાઓ અને કાર્યકરોને ભેગા થવા દીધા નહોતા અને વિરોધ કરવા આવેલા 20થી વધુ કાર્યકરોની ટીંગાટોળી અને દોડાવી-દોડાવી અટકાયત કરી હતી. વડોદરા શહેર કોંગ્રેસ-પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં ગાંધીવિચારનું અપમાન થઈ રહ્યું છે. જ્યારે પણ ભાજપ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે. આ સાથે મુખ્યમંત્રી અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધી નગરગૃહ ખાતે સત્યાગ્રહ ધરણાંનું આયોજન કર્યું હતું, પરંતુ આ કાર્યક્રમને પગલે કોંગ્રેસના કાર્યકરો આવે એ પહેલાં જ વડોદરા ક્રાઇમ બ્રાંચ, રાવપુરા પોલીસના જવાનો, 2 એસીપી, 2 પીઆઇ સહિતનો પોલીસકાફલો ગાંધી નગરગૃહ ખાતે પહોંચી ગયો હતો. જેમ જેમ કોંગ્રેસના કાર્યકરો આવે તેમ તેમ એક-એક કરીને તેમની ટીંગાટોળી કરીને પોલીસ તેમની અટકાયત કરવા લાગી હતી. કોંગ્રેસના કાર્યકરોને પકડવા માટે પોલીસને પરસેવો વળી ગયો હતો. કેટલાક સામાન્ય લોકોને પણ પોલીસ કોંગ્રેસના કાર્યકરો સમજી બેઠી હતી, જેથી પોલીસ તેમની પાછળ પણ પકડવા માટે દોડી હતી. એક વ્યક્તિએ કહ્યું હતું કે હું લગ્નની ખરીદી કરવા માટે આવ્યો છું, જોકે પોલીસ મને પકડીને લઇ જઇ રહી હતી. પોલીસે મને કહ્યું હતું કે તમે પણ ચાલો, જોકે પોલીસના કહેવા પ્રમાણે તે વ્યક્તિ કોંગ્રેસની કાર્યકર હતી, પરંતુ પોલીસે તેમને પકડતાં તેમણે સામાન્ય વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.
વડોદરા શહેર કોંગ્રેસ-પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી આવ્યા ત્યારે હરણી બોટકાંડમાં 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને બાળકોનાં માતા-પિતાને મુખ્યમંત્રી મળવાનો સમય આપતા નહોતા, જેથી બે નિર્દોષ બાળકોની માતાઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગઈ હતી. આ સમયે મુખ્યમંત્રીએ બંને માતાને જાહેરમાં ખખડાવ્યા હતા કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યાં છો. ત્યાર બાદ મુખ્યમંત્રીના ઇશારે વડોદરા ક્રાઇમ બ્રાંચ અને વડોદરા પોલીસે બંને બહેનોના મોઢા દબાવ્યા અને તેમને ગુનેગારોની જેમ લઇ ગયાં. ક્રાઇમ બ્રાંચમાં 3 કલાક ગોંધી રાખ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પણ વડોદરાના સમા વિસ્તારમાં પાણી મુદ્દે વોર્ડ ઓફિસ ખાતે આંદોલન કરી રહેલી મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો, જેના વિરોધમાં વડોદરા શહેરના ગાંધી નગરગૃહ ખાતે સત્યાગ્રહ ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગાંધીના ગુજરાતમાં ગાંધીવિચારનું અપમાન થઇ રહ્યું છે. ભાજપના નેતાઓ સત્તાના નશામાં એટલા અભિમાનમાં આવી ગયા છે કે જે લોકોએ ચૂંટાઇને તેમને મોકલ્યા છે તે પ્રજાને પણ તેઓ ભૂલી ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે ભાજપ બેટી બચાવો અને મહિલા સશક્તીકરણની વાતો કરે અને હરણી બોટકાંડની બે બહેનો સાથે દુર્વ્યવહાર કર્યો છે, કોઇ ગુનેગાર સાથે પણ આવો દુર્વ્યવહાર ન કરે. સમા વિસ્તારમાં પણ પોલીસ ઢસડી ઢસડીને લઇ ગયા હતા. ભાજપ પોલીસને આગળ કરીને પ્રજા અને કોંગ્રેસનો અવાજ દબાવે છે. પણ શાંતિપૂર્ણ ધરણાંનો કાર્યક્રમ રાખ્યો હતો, પરમિશન માગવામાં આવે, તેમ છતાં પોલીસ પરવાનગી આપતી નથી. શું આ લોકશાહી છે. આને તાનાશાહી કહેવાય, પ્રજા સાથે અત્યાચાર થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના પૂતળા ભાજપ જાહેરમાં બાળે છે, તેમ છતાં અત્યારસુધી ભાજપના કોઇ નેતા સામે પોલીસ કેસ થયો નથી. રાવપુરાના પોલીસના અધિકારીઓ ત્યાં બોડીગાર્ડ બનીને ઊભા રહ્યા અને પૂતળા બાળવા દીધા હતા અને એસીપીએ નિવેદન આપ્યું કે પરવાનગી લીધેલી છે. અમને ધરણાં કરવાનો અધિકાર નથી, આટલી બધી દાદાગીરી અને તાનાશાહી છે. પોલીસે અમને ગાંધી નગરગૃહ ખાતે ધરણાં કરવા દીધા નહીં અને અમારી અટકાયત કરી, જેથી અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે અમે ધરણાં પર બેઠા છીએ.





