
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર સતત એક્શન મોડમાં છે. જેમાં ભારતે અનેક મોરચે પાકિસ્તાન પ્રતિબંધો મૂકયા છે. જેમાં હવે ભારત સરકારે ૨ ન્યૂઝ પોર્ટલના એક્સ-હેન્ડલ પર પ્રતિબંધ મૂકીને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. ભારત સરકારે ન્યૂઝ પોર્ટલ બલુચિસ્તાન ટાઇમ્સ અને બલુચિસ્તાન પોસ્ટના X એકાઉન્ટ્સ બ્લોક કરી દીધા છે. આ પ્રતિબંધ ભારતમાં લાદવામાં આવ્યો છે. આ પૂર્વે ભારતે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને ઇમરાન ખાન સામે આ કાર્યવાહી કરી હતી. ભારત દ્વારા આ બંને નેતાઓના x એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. ભારતની કાર્યવાહીથી હતાશ થયેલા પાકિસ્તાનના નેતાઓ સતત ભારતને ધમકી આપી રહ્યા છે પરંતુ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ગભરાયેલું છે અને ભારત તરફથી હુમલાનો ડર અનુભવે છે. આ દરમિયાન ભારત પાકિસ્તાન સામે તમામ પ્રકારના પ્રતિબંધો લાદી રહ્યું છે. આ પહેલા પણ ભારતે પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકયો હતો. ખ્વાજા આસિફ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકતા હતા. તેમણે ભારત પર પરમાણુ હુમલો કરવાની ધમકી પણ આપી હતી.આ અગાઉ ભારતે ડોન ન્યૂઝ, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફતાર, ધ પાકિસ્તાન રેફરન્સ, જીઓ ન્યૂઝ, સમા સ્પોર્ટ્સ, ઇર્શાદ ભટ્ટી, જીએનએન, ઉઝેર ક્રિકેટ, અમર ચીમા એક્સક્લુઝિવ, અસમા શિરાઝી, મુનીબ ફારૂક, સુનો ન્યૂઝ એચડી અને રાઝી નામા સહિત કેટલીક મુખ્ય પાકિસ્તાની યુટયુબ ચેનલો પર પ્રતિબંધ મૂકયો હતો.