જન્મથી 18 વર્ષ સુધીનાં બાળકોની બીમારીની નિ:શુલ્ક સારવાર

Spread the love

 

 

માત્ર 4 ડોક્યુમેન્ટથી બની જશે આ સંદર્ભ કાર્ડ, હૃદય-કિડનીની સારવારમાં નહીં કરવો પડે લાખોનો ખર્ચ

રાજકોટ
રાજકોટનાં લોધિકાનાં કાંગશીયાળીના એક સામાન્ય પરિવારમાં ‘વ્હાલી દીકરી’ જન્મી ત્યારે આનંદ સમતો નહોતો. જોકે, બાળકી થોડી મોટી થતાં મુક-બધિરતાની ક્ષતિ ધ્યાનમાં આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ‘શ્રી’ની કાલી-ઘેલી બોલી સાંભળવા પરિવાર તરસતો હતો. આખરે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (R.B.S.K.) હેઠળ રૂપિયા આઠથી નવ લાખનું કોકલિયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન વિનામૂલ્યે થતાં પરિવાર ગદગદ થઈ ગયો હતો. આજે ‘શ્રી’ની સ્પીચ-હિયરિંગ થેરાપી ચાલી રહી છે અને તેની કાલીઘેલી બોલી સાંભળી આખો પરિવાર ખુશખુશાલ બન્યો છે. શ્રીનું ઓપરેશન સંદર્ભ કાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે, સંદર્ભ કાર્ડ શું છે તેનાથી મોટાભાગના લોકો અજાણ છે, ત્યારે આ કાર્ડ અંગેની માહિતી ગુજરાતમાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા મિશન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા માત્ર 0થી 18 વર્ષનાં બાળકોને થતી વિવિધ બીમારીની નિઃશુલ્ક સારવાર માટે સંદર્ભ કાર્ડ ખૂબ જરૂરી છે. માત્ર આધારકાર્ડ જેવા દસ્તાવેજોથી સરળતાથી આ કાર્ડ મનપા અથવા જિલ્લા પંચાયત કચેરીમાંથી કઢાવી શકાય છે. આ એકમાત્ર કાર્ડથી બાળકોને થતી બીમારી જેવી કે, ફાટેલા હોંઠ, હૃદયમાં કાણું કે વાલ્વમાં ખામી સહિતનાં લાખોના ખર્ચે થતા ઓપરેશન તદ્દન નિઃશુલ્ક કરવામાં આવે છે. ત્યારે જાણો શું છે સંદર્ભ કાર્ડ અને તેને કઢાવવા માટેની પ્રક્રિયા વિશે
રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય યોજના અંતર્ગત બાળક જ્યારે જન્મે ત્યારે અમારી ટીમ દ્વારા બાળકની પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. જેમાં તબીબો દ્વારા 4D મુજબ આ બાળકમાં કોઈ ખામી છે કે નહીં? તેના વિશે ચકાસણી કરવામાં આવે છે. જો બાળકમાં આવી કોઈપણ ખામી જોવા મળે તો તાત્કાલિક સંદર્ભ કાર્ડની સેવા આપવામાં આવે છે. સંદર્ભ કાર્ડનાં માધ્યમથી બાળકની જે કોઈ બીમારી હોય તેનું વિનામુલ્યે નિદાન અને સારવાર પણ કરી આપવામાં આવે છે. સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીએ જતા બાળકની વર્ષમાં બે વખત અને શાળાએ જતા બાળકનાં આરોગ્યની વર્ષમાં 1 વખત ચકાસણી કરવામાં આવે છે. જેમાં બાળકમાં કોઈપણ ડિસિસ, ડિસેબીલીટી અને ડિફોર્મેટી માટે ચેકિંગ કરાય છે. જેમાં જીવલેણ રોગો જેવા કે, હૃદયની તકલીફમાં વાલ્વમાં ખામી, હૃદયમાં કાણું હોવું, કિડનીની તકલીફ, જડબામાં જન્મથી કોઈ ખામી હોવી, મગજની ખામી, જન્મજાત મોતીયો, ફાટેલા હોઠની સમસ્યાની સાથે જ આંતરડાની કોઈ તકલીફ હોય તો તેનું ચોક્કસ નિદાન કરવામાં આવે છે.
સંદર્ભ કાર્ડ હેઠળ આ તમામ બીમારીઓ ઉપરાંત કોઈ અન્ય જન્મજાત ખોડખાપણ માટેની સારવાર તેમજ સર્જરી પણ આવરી લેવામાં આવે છે. આવા કિસ્સામાં સૌપ્રથમ RBSK ટીમ દ્વારા સંદર્ભ કાર્ડ ભરવામાં આવે છે. ત્યારબાદ જિલ્લાના DEIC સેન્ટર ખાતે મોકલવામાં આવે છે. જ્યાં વિવિધ રોગના તજજ્ઞો દ્વારા બાળકની બીમારીનું ચોકકસ નિદાન કરવામાં આવે છે. જેમાં આ બાળકને કઈ બીમારી છે તેનું ઓપરેશન ક્યારે અને ક્યાં કરવું સહિતની વિગતો એકત્ર કરવામાં આવે છે. બાદમાં ગુજરાત સરકાર માન્ય હોસ્પિટલો પૈકીની હોસ્પિટલમાં બાળકની સારવાર કે સર્જરી નિઃશુલ્ક કરવામાં આવે છે. ગુજરાત સરકારની આરોગ્ય શાખા બાળકની સારવાર અને ઓપરેશનનો તમામ ખર્ચ સંદર્ભ કાર્ડ હોય તો આપે છે. ખાસ કરીને વાત કરીએ તો જન્મજાત મુકબધીરતા માટેની કોક્લિયર ઈંપ્લાન્ટ સર્જરી કે જે બહાર કરાવાય તો તેનો રૂ. 8થી 10 લાખનો ખર્ચ થાય છે. જે ઓપરેશન પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવામાં આવે છે. જેના કારણે જન્મથી મુકબધીર તેવું બાળક ફરી બોલતું અને સાંભળતું થાય છે. તેમજ હૃદયમાં કાણું હોવું કે વાલની કોઈ ખામીની સર્જરી કરવા માટે 2થી 3 લાખનો ખર્ચ થાય છે. આ સર્જરી પણ સંદર્ભ કાર્ડ હેઠળ વિનામુલ્યે કરવામાં આવે છે.
આમ સંદર્ભ કાર્ડ 0થી લઈને 18 વર્ષના બાળકોને માટે ખરેખર ખૂબ જ ઉપયોગી અને અનિવાર્ય છે. જે કોઈ બાળકો શાળાએ ન જતા હોય તેવા બાળકોને પણ આ સંદર્ભ કાર્ડ હેઠળ આવરી લેવામાં આવે છે. આ માટે ખાસ કોઈ દસ્તાવેજની જરૂર નથી. પરંતુ જો કોઈપણ બીમારી જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સંપર્ક કરવાનો રહે છે. ત્યારબાદ બાળકને DEIC સેન્ટર લઈ જવાનું હોય છે અને ત્યાંથી થયેલા નિદાનને આધારે મનપા કચેરીનાં આરોગ્ય વિભાગ દ્વારા માત્ર માતા-પિતા પાસેના આધારકાર્ડ પરથી સંદર્ભ કાર્ડ કાઢી આપવામાં આવે છે. અને બાળકની સારવાર કે સર્જરી તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સમગ્ર ગુજરાતની તમામ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત કચેરીનાં આરોગ્ય વિભાગ દ્વારા સંદર્ભ કાર્ડ કાઢી આપવામાં આવે છે. જો બાળક શાળાએ જતું હોય તો ત્યાં પણ ટીમ દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવે છે. અને જો શાળાએ ન જતું હોય તેવા સંજોગોમાં પણ સંદર્ભ કાર્ડ દ્વારા બાળકની કોઈપણ ખામીને લગતી સારવાર તેમજ સર્જરી વિનામુલ્યે કરવામાં આવે છે. ત્યારે 0થી 18 વર્ષના બાળક માટે સંદર્ભ કાર્ડ ખરેખર ખૂબ અગત્યનું છે. અને બાળકને કોઈપણ જન્મજાત બીમારી જણાય તો તરત જ તેનું સંદર્ભ કાર્ડ કાઢવવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *