
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ સોમવારે સંવિધાન બચાવો યાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રામાં AICCના ઓબ્ઝર્વર બી.વી. શ્રીનિવાસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઈસ પ્રેસિડેન્ટ અને મોરબી જિલ્લા કોંગ્રેસના સહ ઓબ્ઝર્વર ડો. દિનેશ પરમારે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, સરકાર લોકોને ગુમરાહ કરી રહી છે. સરકાર ગરીબી, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓની અવગણના કરી રહી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. સરકાર મંદિર-મસ્જિદના મુદ્દાઓમાં અટવાયેલી છે. બી.વી. શ્રીનિવાસે જણાવ્યું કે, વર્તમાન સરકાર સંવિધાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. આ કારણે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં સંવિધાન બચાવો યાત્રા યોજી રહી છે. કાર્યક્રમમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા. કે.ડી.બાબરવા, દેવેન્દ્રસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ કંઝારીયા, લલીતભાઈ કાસુન્દ્રા સહિતના કાર્યકરોએ યાત્રાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.