
અમેરિકન ફિલ્મ ઉદ્યોગને નવું જીવન આપવાના ઉદ્દેશ્ય સાથે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૪ મે, ૨૦૨૫ના રોજ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. તેમણે વાણિજ્ય વિભાગ અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)ને વિદેશમાં નિર્મિત તમામ ફિલ્મો પર ૧૦૦ ટકા ટેરિફ (૧૦૦% tariff) લાદવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ નિર્ણયનો હેતુ સ્થાનિક ફિલ્મ નિર્માણ ને નેત્સાહન આપવા અને અમેરિકન સ્ટુડિયો ને વિદેશી આકર્ષણો અને નેત્સાહનોથી દૂર રાખવાનો છે.
સોશિયલ મીડિયા પર ટ્રમ્પે જણાવ્યું કે વિદેશી દેશો દ્વારા અમેરિકન ફિલ્મ ઉદ્યોગને નબળો પાડવાના પ્રયાસો આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા બંને માટે જોખમરૂપ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું, “અમેરિકન ફિલ્મ ઉદ્યોગ ઝડપથી નાશ પામી રહ્યો છે. અને આ એક સંયુક્ત વૈશ્વિક પ્રયાસનું પરિણામ છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.” આ ટેરિફનો ઉદ્દેશ્ય બજારને સમાન બનાવવાનો અને સ્ટુડિયોને અમેરિકામાં ફિલ્મ નિર્માણ ચાલુ રાખવા માટે પ્રેરિત કરવાનો છે. ટ્રમ્પે ફરીથી અમેરિકામાં ફિલ્મ નિર્માણની જરૂરિયાત પર ભાર મૂકયો, જેથી સ્થાનિક પ્રતિભા અને સંસાધનોનો ઉપયોગ થાય.
આ જ દિવસે, ટ્રમ્પે સાન ફ્રાન્સિસ્કો ખાડીમાં આવેલી ઐતિહાસિક અલ્કાટ્રાઝ જેલને ફરીથી ખોલવાની યોજના જાહેર કરી. આ જેલ, જે ૧૯૬૩માં બંધ થઈ હતી, તે દેશના કેટલાક સૌથી ખતરનાક ગુનેગારોનું ઘર હતું. ટ્રમ્પે બ્યુરો ઓફ પ્રિઝન્સને ન્યાય વિભાગ, FBI અને હોમલેન્ડ સિકયુરિટી સાથે મળીને આ સુવિધાનું નવીનીકરણ અને વિસ્તરણ કરવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું, “અલ્કાટ્રાઝને પુનઃનિર્માણ કરો અને ફરીથી ખોલો! જ્યારે અમેરિકા વધુ ગંભીર રાષ્ટ્ર હતું, ત્યારે આપણે જાણતા હતા કે ખતરનાક ગુનેગારોને કેવી રીતે અલગ કરવા.” આ નવી અલ્કાટ્રાઝ જેલ દેશના સૌથી હિંસક અને ખતરનાક ગુનેગારો માટે અત્યંત સુરક્ષિત સુવિધા તરીકે કામ કરશે, જેનો ઉદ્દેશ્ય જાહેર સુરક્ષાને મજબૂત કરવાનો છે.
આ બંને જાહેરાતો ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિનો ભાગ છે, જેનો હેતુ સ્થાનિક ઉદ્યોગોને સુરક્ષિત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો છે. ફિલ્મ ઉદ્યોગ પર ટેરિફ દ્વારા સ્થાનિક નોકરીઓ અને સર્જનાત્મક નિયંત્રણને વેગ મળવાની અપેક્ષા છે, જ્યારે અલ્કાટ્રાઝનું પુનર્નિર્માણ ગંભીર ગુનાઓ સામે કડક વલણ દર્શાવે છે. આ પગલાં અમેરિકન અર્થતંત્ર અને સમાજ પર લાંબા ગાળાની અસર કરી શકે છે, જે રાષ્ટ્રીય ગૌરવ અને સુરક્ષાને મજબૂત કરવાના ટ્રમ્પના વિઝનને પ્રતિબિંબિત કરે છે.