


દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા પાણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ઉનાળા દરમિયાન લોકોને પડતી પાણીની સમસ્યાના નિરાકરણ માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. કલેક્ટરે જિલ્લાના દરેક ગામમાં પાણી સરળતાથી મળે તે માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચના આપી. તેમણે પાણીના સંપમાં પાણીનો જથ્થો જાળવી રાખવા અને વિતરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો. હેન્ડપંપ રિપેરિંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ આપ્યો. પાણી સમસ્યાના નિરાકરણ માટે વિશેષ ટીમની રચના કરવામાં આવશે. હેલ્પલાઈન નંબરને સક્રિય કરવા અને ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવા સૂચના અપાઈ. તમામ ગામોની તાલુકા મુજબ પાણીના પ્રશ્નોની યાદી બનાવી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા જણાવાયું. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ અને પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર ડી.એમ. બુમ્બડીયા હાજર રહ્યા હતા. વર્ચ્યુઅલ માધ્યમથી પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.