સગીર વિદ્યાર્થીને ભગાડી જનાર શિક્ષિકાનો મામલો ગર્ભના DNA ટેસ્ટ માટે સેમ્પલ લેવાયું, બે મહિને રિપોર્ટ આવે તેવી શક્યતા

Spread the love

 

સુરતમાં રહેતી અને ટ્યુશન ક્લાસ ચલાવતી એક શિક્ષિકા તેમને ત્યાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીને લઈને ભાગી છૂટી હતી. સાડા ચાર દિવસ અલગ અલગ સ્થળોએ ફર્યા બાદ શિક્ષિકા અને સગીર વિદ્યાર્થી મળી આવ્યા હતા. શિક્ષિકાને સગીર વિદ્યાર્થી સાથે પ્રેમસંબંધ હોવાનું અને અનેકવાર શરીર સંબંધ પણ બાંધ્યા હોવાની વિગતો સામે આવી હતી. ત્યારબાદ શિક્ષિકાને 20 સપ્તાહનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતા આ ગર્ભના DNAનું પરીક્ષણ કરવાનો નિર્ણય કરાયો છે. સુરત જેલમાં બંધ શિક્ષિકાના ગર્ભના ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ રિપોર્ટ આવતા બે મહિનાનો સમય લાગી શકે છે. તો બીજી તરફ શિક્ષિકા દ્વારા હજી સુધી ગર્ભપાત અંગે કોઈ નિર્ણય ન કરાયો હોવાનું તેના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
13 વર્ષીય વિદ્યાર્થી સાથે ભાગી ગયા બાદ ઝડપાયેલી શિક્ષિકા પોતે ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. શિક્ષિકા હાલ જેલમાં બંધ છે ત્યારે તેના ગર્ભના ડીએનએ ટેસ્ટ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું તેના વકીલ વાજીદ શેખે પુષ્ટિ કરી હતી. વકીલે વધુમાં ઉમેર્યું કે, શિક્ષિકા હાલ ગર્ભપાત કરાવવાનું છે કે નહીં, એ મુદ્દે વિચારણા કરી રહી છે. હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.બીજી તરફ, આ શિક્ષિકા હવે જેલમાં છે અને તેણે બે દિવસમાં જામીન માટે કોર્ટમાં અરજી કરવાનું નક્કી કર્યું છે. સુરતની શિક્ષિકા ઝડપાયા બાદ તેને એક વર્ષથી સગીર વિદ્યાર્થી સાથે પ્રેમસંબંધ હોવાનું અને શરીર સંબંધ બાંધ્યા હોવાનો ખુલાસો થયો છે. વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ પણ શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાનો ખુલાસો થયો છે. શિક્ષિકાને 20 સપ્તાહનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયા બાદ હવે આ ગર્ભ સગીર વિદ્યાર્થી સાથેના સંબંધોના કારણે રહ્યો છે કે નહીં તેની તપાસ માટે DNA ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. DNAનો રિપોર્ટ આવતા બે મહિનાનો સમય લાગે તેવી શક્યતા છે.
શું હતો સમગ્ર મામલો? સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ગત 25 એપ્રિલના રોજ 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ તેને અભ્યાસ કરાવતી 23 વર્ષીય શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ પુણા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને 13 વર્ષીય વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી શિક્ષિકાની શોધખોળ કરવામાં આવી હતી. આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસના હાથે એક CCTV પણ લાગ્યા હતા, જેમાં વિદ્યાર્થી અને શિક્ષિકા સાથે જતો હોવાનું દેખાઈ રહ્યું હતું. આ ઉપરાંત શિક્ષિકા દ્વારા એક દુકાન પરથી કોઈ વસ્તુ ખરીદી એનું રોકડમાં પેમેન્ટ કર્યું હોવાના ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા. પોલીસ દ્વારા શિક્ષિકાને પકડવા માટે અલગ-અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી ત્યારે પોલીસને મોબાઈલ નંબર ટ્રેસ કરતાં એવી માહિતી મળી હતી કે શિક્ષિકા વિદ્યાર્થી સાથે રાજસ્થાનથી ગુજરાત પરત આવી રહી છે ત્યારે આ માહિતીના આધારે પોલીસે રાજસ્થાન બોર્ડર પાસે શામળાજી પાસેથી શિક્ષિકા માનસીને ઝડપી પાડી હતી અને માનસી સાથે વિદ્યાર્થી પણ પોલીસને મળ્યો હતો.
શિક્ષિકાની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તે 25 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે વિદ્યાર્થીને લઈને પહેલા સુરતમાં અલગ-અલગ વિસ્તારમાં ફરી હતી, જેમાં સુરતના ડુમસ રોડ ખાતે આવેલા વી.આર મોલમાં બે કલાક જેવું ફર્યાં હતાં. સુરત સ્ટેશનથી રિક્ષામાં વી.આર મોલ સુધી પહોંચ્યાં હતાં. વી. આર. મોલમાં ફર્યા બાદ પાંચ વાગ્યે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી એસ.ટી. બસમાં બેસીને વડોદરા ગયા હતા. રાત્રે 9:00 વાગ્યે વડોદરા પહોંચ્યાં બાદ રાત્રિરોકાણ વડોદરાની હોટલમાં કર્યું હતું. 26 એપ્રિલના રોજ શિક્ષિકા અને વિદ્યાર્થી બંને સવારે 6:00 વાગ્યે હોટલમાંથી ચેક આઉટ કરીને ખાનગી બસમાં અમદાવાદ ખાતે પહોંચ્યાં હતાં, જ્યાં કાંકરિયા તળાવ ખાતે સાંજ સુધી ફર્યાં હતાં અને સાંજે ખાનગી બસમાં જયપુર જવા માટે રવાના થયાં હતાં. 27 એપ્રિલના રોજ સવારે જયપુર પહોંચ્યાં હતાં, જ્યાં જયપુરના હવા મહેલ સહિતની ફરવાનાં સ્થળો ખાતે સાંજ સુધી ફર્યાં હતાં. ત્યાર બાદ સાંજે ખાનગી બસમાં દિલ્હી જવાના રવાના થઈ ગયાં હતાં. 28 એપ્રિલના રોજ સવારે 9:00 વાગ્યા આસપાસ બંને દિલ્હી પહોંચ્યાં હતાં. દિલ્હી પહોંચીને રિક્ષા કરી બે કે ત્રણ બજારમાં ફર્યાં હતાં, જોકે ત્યાં કંટાળો આવતાં બપોરે ત્રણ વાગ્યા આસપાસ ખાનગી બસમાં વૃંદાવન ગયાં હતાં. વૃંદાવન ખાતે વોટરપાર્કમાં મોજમસ્તી કરી હતી. ત્યાર બાદ નજીકમાં આવેલા મન મંદિરમાં પણ દર્શન માટે ગયાં હતાં. રાત્રે 10 વાગ્યે જયપુર જવા રવાના થયાં હતાં. રાત્રે 2:00 વાગ્યે જયપુર પહોંચ્યાં બાદ એક હોટલમાં રાત્રિરોકાણ કર્યું હતું. ત્યાર બાદ ફરવામાં કંટાળો આવતાં ફરી ખાનગી બસમાં અમદાવાદ આવવા રવાના થયાં હતાં. આ દરમિયાન રાત્રે ચાર વાગ્યે આસપાસ આ બંનેને ચાલતી ખાનગી બસમાંથી રાજસ્થાન બોર્ડર પાસે પોલીસે પકડી પાડ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *