
ગાંધીનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. જિલ્લામાં ગઈકાલે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ સાથે ભારે પવન અને વરસાદે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન પહોંચાડ્યું છે. માણસા પંથકમાં સૌથી વધુ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કલોલમાં 5 મિમી, ગાંધીનગરમાં 19 મિમી અને દહેગામમાં 20 મિમી વરસાદ પડ્યો છે. માણસામાં અષાઢી માહોલ જેવો વરસાદ વરસ્યો હતો. બીલોદરા ગામના ખેડૂત દશરથસિંહ ચાવડાના જણાવ્યા મુજબ, વરસાદના કારણે જુવારનું વાવેતર ધોવાઈ ગયું છે. ખેતરમાં છાપરાનું પતરું પણ પડી ગયું છે. અન્ય ખેડૂતએ જણાવ્યું કે બાજરી, જુવાર, મગ અને શાકભાજીના પાકને નુકસાન થયું છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કરા પડવાની અને 60-80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સ્થિતિમાં ખેડૂતોની ચિંતા વધી છે.