ગત વર્ષ કરતા ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ વધારે આવવાથી ખાનગી કોલેજોના સંચાલકોને વિદ્યાર્થી મળી રહેવાની આશા જાગી છે. જોકે ખાનગી કોલેજના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને આકર્ષવા માટે ફીમાં રાહત અને કમિશન પ્રથા શરૂ કરી હોવાનું વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જોવા મળતી ચર્ચા ઉપરથી લાગી રહ્યું છે. ધોરણ-12 પછી વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પ્રથમ પસંદગી સરકારી કોલેજની કરતા હોય છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમાં ગત વર્ષ કરતા પરિણામ વધારે રહેતા ખાનગી કોલેજોને વિદ્યાર્થીઓ મળી રહેવાની આશા જીવંત બની છે. જ્યારે સરકારી કોલેજોમાં વિદ્યાર્થીઓના ધસારાને જોતા વર્ગખંડોની સંખ્યામાં વધારો કરવાની ફરજ પડશે. જોકે કેન્દ્ર સરકારે હવે કોઇપણ સરકારી નોકરીની ભરતીમાં લઘુત્તમ લાયકાત ગ્રેજ્યુએશન કરી દેવામાં આવી હોવાથી ધોરણ-12 પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન કરવામાં વિશેષ રસ દાખવશે. ઉપરાંત પરિણામ પણ ગત વર્ષ કરતા વધારે રહેતા હવે ખાનગી શાળાઓને વિદ્યાર્થીઓને જ તંગી રહેતી હોય છે. તે નવા શૈક્ષણિક વર્ષ-2025-26માં જોવા મળશે નહી તેમ લાગી રહ્યું છે. શિક્ષણ વિદ્દોના મતે વર્તમાન સમયમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ-12 પછી ગ્રેજ્યુએશન માટે સરકારી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે પ્રથમ પ્રાધ્યાન્ય આપતા હોય છે. જો સરકારી કોલેજમાં પ્રવેશ મળે નહી તો જ ખાનગી કોલેજમાં પ્રવેશ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ જતા હોય છે. જ્યારે બીજી તરફ ખાનગી કોલેજના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને આકર્ષવા માટે પ્રથમ વર્ષ માટે ફીમાં રાહત આપતા હોય છે. ઉપરાંત જો વધુ વિદ્યાર્થીઓના પ્રવેશની સંખ્યાના આધારે કમિશન આપવામાં આવે છે.