ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવી આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલીસી હેઠળ શહેરમાં મંજૂરી વિનાના તમામ હોર્ડિંગ્સને ગેરકાયદે ગણાવીને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરના નવા વિસ્તારોમાં અગાઉ ગુડાએ મંજૂરી આપેલા અને તે સમયમર્યાદા પૂર્ણ થઇ હોય તેવા 40થી વધુ હોર્ડિંગ્સ મહાનગરપાલિકા દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા. અગાઉ આ વિસ્તાર ગુડા હસ્તક હતો ત્યારે ગુડા દ્વારા વિવિધ એજન્સીને હોર્ડિંગ્સ લગાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી. તે પછી આ વિસ્તાર મહાનગરપાલિકા હસ્તક આવી ગયો હતો. બીજીતરફ ગુડા દ્વારા આપવામાં આવેલી મંજૂરીની સમયમર્યાદા પણ પુરી થઇ ગઇ હતી. જેથી મહાનગરપાલિકા દ્વારા અગાઉ નોટીસ ફટકારવામાં આવી હતી પરંતુ તેમછતાં આ હોર્ડિંગ્સ હટાવવામાં નહીં આવતાં સોમવારે મહાનગરપાલિકાની ટીમો દ્વારા આવા હોર્ડિંગ્સ હટાવી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની નવી પોલીસી મુજબ શહેરમાં કોઇપણ જગ્યાએ હોર્ડિંગ્સ કે બેનર લગાવવા માટે મંજૂરી લેવી ફરજિયાત છે. આ ઉપરાંત હોર્ડિંગ્સના સ્ટ્રક્ચર પણ એકસમાન રાખવાના રહે છે. જેથી મંજૂરી વિનાના તમામ હોર્ડિંગ્સ સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. આગામી સમયમાં પણ ઝુંબેશ ચાલું રહેશે.