ધોરણ 10નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ

Spread the love

 

 

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આ વર્ષે રેકોર્ડબ્રેક 83.08% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24% પરિણામ આવ્યું છે. દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68% આગળ રહી બાજી મારી છે. ગણિત, વિજ્ઞાન, ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગણિતમાં 16.53%, એટલે કે 1,13,352 વિદ્યાર્થી, વિજ્ઞાનમાં 12.16%, એટલે કે 90,791 વિદ્યાર્થી અને ગુજરાતીમાં 8.71%, એટલે કે 54,614 વિદ્યાર્થી નાપાસ થયા છે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org અને વ્હોટ્સએપ નંબર 6357300971 પરથી પરિણામ જાણી શકશો.
27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજાઈ હતી, જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી. રાજ્યમાં ધો. 10 અને 12નું પરિણામ જાહેર કરાયું છે ત્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ ”યોજના અંતર્ગત ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં અનુસૂચિત જાતિ- SC તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ- SEBCનાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને આપવામાં આવતી પ્રોત્સાહક ઈનામની રકમમાં વિવિધ કક્ષાએ રૂ. 20 હજારનો સુધીનો વધારો કરાયો છે. રાજ્યકક્ષાએ ધોરણ 10-12ના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને અપાતી રકમમાં વધારો કરી હવે અનુક્રમે રૂ.51 હજાર, રૂ.41 હજાર અને રૂ.31 હજાર અપાશે.
રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને પહેલાં રૂ. 31 હજાર આપવામાં આવતા હતાં. જે હવે રૂ. 51 હજાર આપવામાં આવશે. એ જ રીતે દ્વિતીય સ્થાને આવશે તેને રૂ. 21 હજાર વધારીને રૂ. 41 હજાર આપવામાં આવશે તથા તૃતીય સ્થાને આવનાર વિદ્યાર્થીને અગાઉ રૂ. 11 હજાર અપાતા હતા જેમાં વધારો કરીને રૂ. 31 હજાર પ્રોત્સાહક ઈનામ તરીકે આપવામાં આવશે. આ ઉપરાંત ધો. 10 અને 12માં સામાન્ય પ્રવાહ અને સાયન્સમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને પહેલા રૂ. 6 હજાર અપાતા હતાં જે વધારીને રૂ. 15 હજાર પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે. તેજ રીતે દ્વિતીય સ્થાને આવશે તેમને રૂ. 5 હજાર વધારો કરીને રૂ. 11 હજાર આપવામાં આવશે તથા તૃતીય સ્થાને આવનાર વિદ્યાર્થીને અગાઉ રૂ. 4 હજાર આપવામાં આવતા હતા જેમાં વધારો કરીને રૂ. 9 હજાર પ્રોત્સાહક ઈનામ તરીકે આપવામાં આવશે.
આ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષના અંતે લેવાતી બોર્ડની પરીક્ષા (માર્ચ-એપ્રિલ)ના વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળશે. શૈક્ષણિક વર્ષના વચ્ચે (ઓકટોબર-નવેમ્બર) માં લેવાતી પરીક્ષા ઉત્તીર્ણ કરનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે નહીં. આ ઉપરાંત એક જ ક્રમ પર એક સરખા ગુણાંક વાળા એકથી વધુ વિદ્યાર્થીઓ આવેલ હોય તેવા સંજોગોમાં એસ.એસ.સી પરીક્ષાના કિસ્સામાં પ્રથમ ત્રણ ક્રમાંક પર આવતા હોય અને એચ.એસ.સી પરીક્ષાના કિસ્સામાં દરેક પ્રવાહમાં ત્રણ ક્રમાંક પર આવતાં હોય તેવા એક સરખા ગુણાંકવાળા વિકસતી જાતિના તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *