
આગામી 11 મેના રોજ મુંબઈ અને પંજાબ વચ્ચેની ધર્મશાલામાં યોજાનારી IPL-25ની મેચ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મેચ પહેલાં ધર્મશાલાને બદલે મુંબઈમાં યોજવાનું આયોજન હતું, પરંતુ પંજાબે ન્યૂટ્રલ સ્થળની માગ કરતાં હવે આ મેચ મોદી સ્ટેડિયમમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકીના 24 કલાકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગત 7 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતાં એજન્સીઓમાં દોડધામ મચી હતી. પાકિસ્તાનના નામથી GCAને એક ઇ-મેલ મળ્યો છે, જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઇ-મેલ થોડા સમય પહેલાં GCAને મળતાં આ અંગેની જાણ અમદાવાદ પોલીસને કરવામાં આવી હતી. એ અંગે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને બોમ્બ-સ્ક્વોડ દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. GCAનેજે ઈ-મેલ મળ્યો હતો એ જર્મની-રોમાનિયાથી ઓપરેટ થયો હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. અજાણ્યા ઈ-મેલ બાબતે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે સિનિયર IPS અધિકારીએ જણાવ્યું હતું કે આ ઇ-મેલ પાકિસ્તાન જેકે-વેબના નામનો મળ્યો છે અને એક લાઈનમાં ‘We Will Blast Your Studium’ લખ્યું છે. આગામી દિવસમાં IPLની મેચ યોજાવાની છે અને આ ઇ-મેલને સહેજ પણ સરળતાથી ન લેવાની જગ્યાએ હાલ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ 7 મે, 2025ની વહેલી સવારે ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાં પર એર સ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં હાજર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તો બીજી તરફ પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. આ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ધમકીભર્યો ઇ-મેલ મળતાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાડી દેવાના ધમકીભર્યા ઈમેલ બાદ અમદાવાદ પોલીસે આ સંદર્ભે સ્ટેડિયમના ખૂણે ખૂણે મેટલ-ડિટેક્ટર અને બોમ્બ-સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર મામલે હાલ ચાંદખેડા પોલીસે ગુનો નોંધ્યો છે. આ સંદર્ભે ક્રાઈમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ અને સેન્ટ્રલ એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઈમેલ જીસીએને મળ્યો હોવાની વિગત બાદ તાત્કાલિક અમદાવાદ શહેર પોલીસ હરકતમાં આવી ગઈ હતી. હાલ સંદર્ભે કેટલીક મહત્ત્વની કડી સેન્ટ્રલ એજન્સી ચકાસી રહી છે. આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નિકુંજ સોલંકી જણાવ્યું હતું કે હાલ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ સંદર્ભ આગળની તપાસ કરવામાં આવી રહી છે.
ધર્મશાલા એ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું એક નગર છે, જે હિમાલયની ધૌલાધાર શ્રેણીના ખોળામાં કાંગરા ખીણમાં સ્થિત છે. એ ભારત-પાકિસ્તાન સરહદથી આશરે 150-200 કિલોમીટર (રૂટ પર આધાર રાખીને) દૂર છે. એ મુખ્યત્વે રેડક્લિફ લાઇન દ્વારા વ્યાખ્યાયિત છે અને જેમાં જમ્મુ અને કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) અને પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સરહદ (IB)નો સમાવેશ થાય છે. પાકિસ્તાન સાથે સરહદ ધરાવતાં ભારતીય રાજ્યો જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત છે. હિમાચલ પ્રદેશ, જ્યાં ધર્મશાલા આવેલું છે એની પાકિસ્તાન સાથે સીધી સરહદ નથી. એના બદલે હિમાચલ પ્રદેશની ઉત્તરે જમ્મુ અને કાશ્મીર (જે પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે), પશ્ચિમે પંજાબ, અને દક્ષિણ અને પૂર્વમાં ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ જેવાં અન્ય ભારતીય રાજ્યો સાથે સરહદ છે તેમજ ઉત્તરપૂર્વમાં ચીન (તિબેટ સ્વાયત્ત પ્રદેશ) સાથે નાની સરહદ છે, જોકે ધર્મશાલાની જમ્મુ અને કાશ્મીર, ખાસ કરીને પઠાણકોટ (પંજાબમાં લગભગ 90 કિમી દૂર) જેવા વિસ્તારોની નિકટતા, એને ભારત-પાકિસ્તાન સરહદની પહોંચવાળા વિસ્તારોની નજીક લાવે છે, જેમ કે અમૃતસર નજીક વાઘા-અટારી સરહદ, જે ધર્મશાલાથી રોડ માર્ગે લગભગ 200 કિમી દૂર છે. વાઘા-અટારી સરહદ દૈનિક બીટિંગ રિટ્રીટ સમારોહ માટે પ્રખ્યાત છે.