
અમદાવાદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કોઇ આગોતરું આયોજન કરવામાં ન આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ શહેરના ડી કેબિન વિસ્તારમાં આવેલો રેલવે અંડરપાસ પાણીથી ભરેલો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર અને એસટીપી વિભાગના અધિકારી દ્વારા વરૂણ પંપ (પાણી કાઢવાનું પંપ) મુકીને પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવ્યા હતા. આજે બીજા દિવસે દાવા પોકળ સાબિત થયા અને પાણી ભરેલું જોવા મળ્યું હતું. અંડરપાસ વાહનચાલકો માટે ખુલ્લો મૂકી દેવાતા લોકો તેમાંથી વાહન લઈને પસાર થવા આવ્યા હતા. ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. મકરબા વિસ્તારના 3 રેલવે અંડરપાસ, મીઠાખળી અને વિમલ અંડરપાસ એમ કુલ પાંચ અંડરપાસ વરસાદી પાણી ભરાવાના કારણે બંધ કરવા પડ્યા હતા. શહેરના ડી-કેબિન વિસ્તારમાં ત્રણ મહિના પહેલા જ કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું જેના કારણે થઈને વાહન વ્યવહાર માટે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો.
મ્યુનિ. કોર્પોરેશનના પશ્ચિમ ઝોન અને વોટર તેમજ એસટીપી વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં આવી નહોતી. 24 કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ થયો નહોતો. એસટીપી વિભાગના અધિકારી મહેન્દ્ર નિનામાએ જણાવ્યું હતું કે, વરૂણ પંપ મુકી અને પાણી નિકાલની કામગીરી ચાલી રહી છે, પરંતુ આજે 8 મેના રોજ સવારના સમયે પણ વરસાદી પાણીથી આખો અંડરપાસ ભરાયેલો હતો. પાણી ભરાયેલું હોવાથી અંડરપાસ 7 મેના રોજ બંધ કરી દેવાયો હતો. જોકે આજે આ અંડરપાસ પાણી ભરેલું હોવા છતાં ચાલુ કરી દેવામાં આવ્યો હતો. લોકો પોતાના જોખમે વાહનો લઈને ત્યાંથી પસાર થતા હતા . મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગના કે વોટર વિભાગના કોઈપણ અધિકારીઓ ત્યાં હાજર નહોતા. વાહનચાલકો પાણી ભરેલું હોવા છતાં પણ લઈને પસાર થયા હતા તેના કારણે તેમના વાહનો બંધ થઈ ગયા હતા. અંડરપાસ બંધ કરવાની જવાબદારી હોવા છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન ન આપવામાં આવતા લોકોને હેરાનગતિ થઈ હતી. વરસાદ પડ્યા બાદ પણ મોર્નિંગ રાઉન્ડમાં તમામ બાબતો તપાસવા અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચના આપી હોવા છતાં પણ કેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશન,ર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તથા વોર્ડના એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓએ આ બાબતે ધ્યાન ન આપ્યું તેને લઈને સવાલ છે.