
કુબેરનગરમાં ભુમાફિયાએ લોરેન્સ બિશ્નોઇના નામે ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. ભુમાફિયા તેમજ ક્રિકેટ સટ્ટાના ધંધામાં સંડોવાયેલા યુવકે વેપારીની હત્યા કરવા એક ટપોરીને સોપારી આપી હતી. ટપોરીએ લોરેન્સ બિશ્નોઇના નામે ધમકી આપી એક લાખ રૂપિયા પડાવ્યા હતા. નાના ચીલોડા ખાતે આવેલા કૈલાસ રીજોઇસમાં રહેતા હરેશ ઉર્ફે હરૂ મુલચંદાણીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં સુરજ ઉર્ફે બાબા કિશ્નાણી અને આકાશ અમરાઇવાડી વિરૂદ્ધ ચીટીંગ, લોરેન્સ બિશ્નોઇના નામે ધમકી તેમજ ખંડણીની ફરિયાદ કરી છે. હરેશ મુલચંદાણીની કુબેરનગર ખાતે સાહીલ ક્રિએશન નામથી કપડાંની દુકાન ચલાવે છે. કુબેરનગર જી-વોર્ડ ખાતે બાબા અને તેનો ભાઇ મનીષ ઉર્ફે ગીલ્લી રહે છે. જે હરેશ મુલચંદાણીના વર્ષો જુના મિત્ર છે. બન્ને ભાઇઓએ ભેગા થઇને કુબેરનગર ખાતે ગગન એવન્યૂ નામે કોમ્પલેક્ષ બનાવ્યુ હતું. જેમાં બે દુકાન હરેશ મુલચંદાણીએ 35 લાખ રૂપિયામાં વેચાતી રાખી હતી. હરેશે આ બે દુકાનના વેચાણ દસ્તાવેજ પેટે મનીષ ઉર્ફે ગીલ્લીને સાત લાખ રૂપિયા આપ્યા હતા. બાકીના રોકડા 28 લાખ રૂપિયા ટુકડે ટુકડે બન્ને ભાઇઓને આપ્યા હતા. દુકાન ખરીદ્યા બાદ હરેશ મુલચંદાણીને ખબર પડીકે બાબાએ સરકારી જમીન પર બિલ્ડીગ બનાવી દીધુ હતું. હરેશે પોતાના રૂપિયા પરત માંગતા બાબા પૈસા આપી દેવાના ખોટા વાયદા કરતો હતો. ત્યાર બાદ હરેશે જાન્યુઆરી 2025માં બાકીના 28 લાખ રૂપિયા માંગતા બાબાએ તેને ઉડાઉ જવાબ આપ્યો હતો. જેને લઇને વિવાદ થયો હતો. હરેશે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરતા બાબાએ ધમકી આપી હતી કે કાર્યવાહી કરીશ તો તારે ભોગવવું પડશે.
થોડા સમય બાદ હરેશના વોટ્સએપ નંબર પરથી એક ફોન આવ્યો હતો. જેણે પોતાની ઓળખ આકાશ અમરાઇવાડી તરીકે આપી હતી. આકાશ અમરાઇવાડીએ હરેશ મુલચંદાણીને ધમકી આપી હતી કે બાબા સાથેની મેટર ક્લોઝ નહી કરે તો તને જાનથી મારી નાખીશ. તે જ સમયે આકાશે બાબાનો વિડીયો પણ હરેશના મોબાઇલ પર મોકલી આપ્યો હતો. આકાશે ફરીથી હરેશને ફોન કર્યા હતા. પરંતુ તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું. આ દરમિયાનમાં આકાશે હરેશ મુલચંદાણીને વોટ્સએપ ઓડીયો ક્લિપ મોકલી હતી. આકાશે લોરેન્સ બિશ્નોઇના નામે ધમકી આપીને કહ્યુ ંહતુંકે સાંજના છ વાગ્યા સુધી તું મેટર ક્લોઝ નહી કરે તો તને ગોળી મારી દઇશ. આકાશે વધુમાં ધમકી આપતા કહ્યું હતુંકે મને બાબાએ છોડાવ્યો છે અને બાબા સાથે તારે જે પૈસાની માથાકુટ ચાલે છે, તેમાં તું સમાધાન કરી લે નહી તો હું તને છોડીશ નહીં. આકાશ રીઢો ગુનેગાર હોવાથી હરેશ મુલચંદાણી ગભરાઇ ગયો હતો. આકાશે હરેશ પાસે રૂપિયા માંગતા તેણે ગભરાઇને 50 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આકાશે ધમકી આપી હતી કે બાબાએ તારી સોપારી આપી છે, છતાં મેં તને કંઇ કર્યુ નથી. તું મને બીજા રૂપિયા નહીં આપે તો તને નહીં છોડું. આ બાદ આકાશે હરેશ પાસેથી બીજા 50 હજાર રૂપિયા પડાવ્યા હતા. હરેશે આ મામલે મનીષ ઉર્ફે ગીલ્લીને વાત કરતા તેણે બાબા સાથે કોન્ફરન્સમાં વાત કરાવી હતી. બાબાએ હરેશને બાહેંધરી આપી હતી કે હવે આકાશ તને ફોન કરીને હેરાન નહીં કરે. બાબાએ ખાતરી આપ્યા બાદ આકાશે હરેશને ગાળો બોલવાની તેમજ મારી નાખવાની ધમકી આપતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સરદારનગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.