એરપોર્ટ જવા 30 મિનિટ વહેલા નીકળવું પડશે, કુબેરનગર ITI અંડરપાસ 15 દિવસ માટે બંધ

Spread the love

 

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા નરોડા ખાતેના કુબેરનગર ITI અંડરપાસના રીનોવેશનની કામગીરી કરવાની હોવાથી અંડરપાસ 8 મેથી 15 દિવસ માટે બંધ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી નરોડા, નિકોલ અને પૂર્વ વિસ્તારથી એરપોર્ટ તરફ જનારા લોકોએ વૈકલ્પિક માર્ગ તરીકે નરોડા પાટિયાથી કુબેરનગર થઈ અથવા નરોડા રેલવે ઓવરબ્રિજથી ટોયેટા શોરૂમ થઈ કોતરપુર થઈને એરપોર્ટ તરફ જઈ શકાશે. નાગરિકોએ અંડર પાસ બંધ થયો હોવાના કારણે અંદાજે બેથી ત્રણ કિલોમીટર ફરીને એરપોર્ટ અને ઇન્દિરાબ્રિજ તરફ જવું પડશે. ટ્રાફિકની સમસ્યા પણ વધુ હોવાથી એરપોર્ટ જનારા લોકોએ 30 મિનિટથી એક કલાક વહેલું જવું પડશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર ઝોનમાં આવેલા શ્રીમદ રાજચંદ્ર અન્ડરપાસ (કુબેરનગર ITI અંડરપાસ)ને રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવાથી ચાલુ કામ દરમિયાન કોઈ અકસ્માત ન થાય તથા સુચારૂરૂપે ટ્રાફિક ચાલે તેના માટે અંડરપાસને બંધ કરવામાં આવશે. 8 મેથી 15 દિવસ સુધી એટલે 22 મે સુધી અથવા રીપેરીંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે. વૈકલ્પિક માર્ગ તરીકે અંડરપાસમાંથી પસાર થતા વાહનોએ ગેલેક્ષી ચાર રસ્તાથી નરોડા રેલવે ઓવરબ્રિજ ટોયોટા શોરૂમ થઇ કોતરપુર ટર્નીંગ થઈ જઈ શકાશે. અન્ય વૈકલ્પિક માર્ગ તરીકે નરોડા પાટીયાથી કુબેરનગર ક્રોસિંગ થઈ માયા સિનેમા થઈ કોતરપુર ટર્નીંગ તરફ થઈને એરપોર્ટ તરફ જવાનું રહેશે.
ખૂબ મોટી સંખ્યામાં રોજના હજારો વાહનો અંડર પાસમાંથી પસાર થતા હોય છે. ત્યારે હવે તેને બંધ કરવામાં આવતા 15 દિવસ માટે વૈકલ્પિક માર્ગ ઉપર ખૂબ ટ્રાફિક વધશે. વૈકલ્પિક માર્ગ માયા સિનેમા તરફ જવાના રોડ ઉપર રેલવે ક્રોસિંગ પણ આવેલું છે જેથી ત્યાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વધારે થઈ શકે છે. વૈકલ્પિક રોડ પર ટ્રાફિકની સમસ્યા ન થાય તેના માટે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક પોઇન્ટ પર કર્મચારીઓ હાજર રાખવામાં આવે જેથી ટ્રાફિકની સમસ્યા ના થાય તેવી સ્થાનિક લોકોની માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *