48 કલાકમાં બે અંગદાન અને 24 કલાકમાં ત્રણ સ્કીન દાન થયા,
192 અંગદાતાઓ થકી 613 વ્યકિતઓને જીવનદાન મળ્યું

અમદાવાદ
અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાની મહેક આપે એવા કાર્ય માટે ચરમસીમાએ પહોંચતી જોવા મળી છે. છેલ્લાં 48 કલાકમાં થયેલા બે અંગદાનથી કુલ 6 અંગો મળ્યાં છે, જ્યારે માત્ર 24 કલાકના સમયગાળા દરમિયાન ત્રણ સ્કીન દાન નોંધાયા છે. આ ઉમદા કાર્યો સાથે સિવિલ હોસ્પિટલ રાજ્યમાં અંગદાન અને સ્કીન દાન ક્ષેત્રે અગ્રેસર બની છે. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, આજે સુધી હોસ્પિટલમાં કુલ 192 અંગદાતાઓ દ્વારા 632 અંગો દાનમાં મળ્યાં છે, જેમાંથી 613 લોકોને જીવનદાન મળી ચૂક્યું છે. સ્કીન દાનની દૃષ્ટિએ પણ હોસ્પિટલમાં અત્યારસુધી 15 સ્કીન દાન થયાં છે, જેમાંથી એક સ્કીન દાન ડોક્ટરની ટીમે દર્દીના ઘરે જઈને સ્વીકાર્યું હતું. તાજેતરના બે કિસ્સાઓમાં, ઉત્તરપ્રદેશના બુંદેલ શહેરના 15 વર્ષીય ઈસ્લામ શરીફ અને અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ કોલેનું બ્રેઇનડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનો દ્વારા અંગદાનની સંમતિ અપાઈ હતી. ઈસ્લામ શરીફના દાનથી બે કિડની અને એક લીવર, જ્યારે પ્રકાશભાઈના દાનથી એક લીવર, બે કિડની અને એક સ્કીન હોસ્પિટલને મળ્યાં છે. આ તમામ અંગો સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે.
પ્રથમ કિસ્સાની વિગતો જોઇએ તો બુંદેલ શહેર, ઉતરપ્રદેશના વતની અને શેલા ખાતે રહેતા 15 વર્ષીય ઇસ્લામ શરીફને તારીખ 1-05-2025ના રોજ સાણંદ પાસે અકસ્માત થતા માથાના ભાગે ઇજા થઈ. સાણંદની નવજીવન હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર માટે પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા. સિવિલ અમદાવાદમાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ ઇસ્લામ શરીફ તારીખ 4-05-2025ના રોજ બ્રેઇનડેડ હોવાનું નિદાન કર્યું. ડોક્ટરોએ પરિવારજનોને અંગદાન વિશે વિગતે સમજાવતા દર્દીના માતા સિતારાબેને કઠણ કાળજે પુત્રના અંગોનું દાન આપવા સંમતિ આપી. બીજા કિસ્સામાં રખિયાલ, અમદાવાદના વતની પ્રકાશભાઈ કોલેને ગોમતીપુર ખાતે તેમનું એક્ટિવા સ્લીપ થઈ જતા માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 06-05-2025ના રોજ ડોક્ટરોએ પ્રકાશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના પરિવારજનોને સમજાવતા તેઓએ અંગદાનની સંમતિ આપી હતી.
આ બંને અંગદાનથી મળેલ ચાર કીડની અને બે લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. અત્યારસુધી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં થયેલ કુલ 15 સ્કીન દાનમાંથી ઘરે જઇ સ્વીકારેલુ આ સાતમુ સ્કીન દાન હતું તેમ વધુમાં સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 192 અંગદાતાઓ થકી કુલ 632 અંગોનું દાન મળ્યું છે. જેમાં 168 લીવર, 350 કીડની, 13 સ્વાદુપિંડ, 61 હ્રદય, 32 ફેફસા, 6 હાથ, 2 નાના આંતરડાનો સમાવેશ થાય છે. આ. ઉપરાંત સિવિલ હોસ્પિટલ સ્કીન બેંકને અત્યાર સુધીમાં 15 જેટલી ચામડીનુ પણ દાન મળ્યું છે. આ 192 અંગદાતાઓ થકી 613 વ્યકિતઓને જીવનદાન મળ્યું છે.