
અમદાવાદ
લોક જાગૃતિ કેન્દ્ર યુનિવર્સિટી (LJKU) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર (IIPHG) વચ્ચે આરોગ્ય ક્ષેત્રે સહયોગ માટે સમજૂતી કરાર થયા છે. આ સમજૂતી મે, 2030 સુધી અમલમાં રહેશે. બંને સંસ્થાઓ આરોગ્ય વ્યવસ્થાપન, જાહેર આરોગ્ય શિક્ષણ અને આંતરવિષયક સંશોધનમાં સાથે મળીને કામ કરશે. LJKU ના ફાર્મસી, એપ્લાઇડ સાયન્સીસ અને ફિઝિયોથેરાપી વિભાગોમાં સંયુક્ત સંશોધન કાર્યક્રમો શરૂ થશે. સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હેલ્થકેર મેનેજમેન્ટની પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવામાં આવશે. સમજૂતી અંતર્ગત વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે વિનિમય કાર્યક્રમો યોજાશે. IIPHG ના વિદ્યાર્થીઓને LJKU માં ઇન્ટર્નશિપ અને પ્લેસમેન્ટની તક મળશે. બંને સંસ્થાઓ સાથે મળીને તાલીમ કાર્યક્રમો, કાર્યશાળાઓ અને પરિષદોનું આયોજન કરશે. IIPHG ના ડિરેક્ટર ડૉ. દીપક સક્સેનાએ જણાવ્યું કે આ સહયોગ વ્યાવસાયિક તાલીમ અને સામુદાયિક આધારિત અભિગમને મજબૂત બનાવશે. LJKU ના પ્રમુખ ડૉ. મનિષ શાહે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓએ સામાજિક પરિવર્તનના માધ્યમ તરીકે કામ કરવું જોઈએ. આ ભાગીદારી શૈક્ષણિક અને જાહેર આરોગ્ય ક્ષેત્રે નવી દિશા આપશે. તેનાથી ભારતના આરોગ્ય ક્ષેત્રના વિકાસમાં મદદ મળશે.