
દહેગામ-કપડવંજ હાઇવે પર લાલુજીની મુવાડી ગામના બસસ્ટેન્ડ નજીક ગઈ રાત્રે ઈકો ગાડી ઝાડ સાથે અથડાતા એક મહિલાનું મોત નીપજ્યું છે. મૃતક મહિલાની ઓળખ ભદીબેન સોલંકી તરીકે થઈ છે. શિયાવાડા ગામની સીમમાં રહેતા વિષ્ણુ સોલંકીના પરિવારજનો કઠલાલ તાલુકાના ચારણ નિકોલ ગામે લગ્ન પ્રસંગે ગયા હતા. રાત્રે એક વાગ્યાના સુમારે તેમનો દીકરો રણજીત, પુત્રવધૂ પાયલ, પૌત્રી માહિ, સાળા પ્રભાતસિંહ ચૌહાણ, તેમની પત્ની રમીલાબેન અને ભદીબેન ઈકો ગાડીમાં ઘરે પરત ફરી રહ્યા હતા. રાત્રે ત્રણ વાગ્યાના સુમારે લાલુજીની મુવાડી પાસે ઈકો ગાડી રોડની સામેની તરફ રોંગ સાઇડમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ભદીબેનને ડાબી આંખની ઉપર ગંભીર ઈજા થઈ હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભદીબેનને ખાનગી વાહન દ્વારા દહેગામ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. દહેગામ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.