ચાલુ બસે મુસાફરને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો, ડ્રાઇવરે બસ સાથે સિવિલ હોસ્પિ. પહોંચાડ્યો

Spread the love

 

ગાંધીનગર

અમદાવાદ સિવિલથી વિજાપુર દોડતી બસમાં ગ્રામભારતીથી બેઠેલા પતિ-પત્ની મુસાફરમાંથી યુવાનને એકદમ છાતીમાં દુ:ખાવો ઉપડતા બસના ડ્રાઇવર અને કંડક્ટરે સમય સૂચકતા વાપરીને આખી બસને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જોકે મુસાફરને સિવિલમાં સમયસર સારવાર અને નિદાન મળી ગઇ હતી. જોકે મુસાફરને સિવિલમાં ઉતારીને બસ તેના રૂટ ઉપર જવા રવાના થઇ હતી. ડ્રાઇવર અને કંડક્ટરની કામગીરીને બસના અન્ય મુસાફરોએ બિરદાવી હતી.

ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત લાંબા અને ટુંકા અંતરની બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે ડ્રાઇવર અને કંડક્ટર મસીહા બનીને આવતા હોય છે. આવો જ કિસ્સો વિજાપુરથી અમદાવાદ સિવિલ જવા ઉપડેલી લોકલ બસ ગ્રામભારતી ખાતે પહોંચતા જ ચાલીસેક વર્ષના પતિ-પત્ની અમદાવાદ સિવિલમાં જવા માટે બસમાં બેઠા હતા. બસ ગાંધીનગર તરફ આવી રહી હતી અને પેથાપુરથી અંદાજે એકાદ કિલોમીટર દુર હશે ત્યાં ગ્રામભારતીથી બેઠેલા પતિ પત્ની મુસાફરમાંથી યુવાને છાતીમાં દુ:ખાવો ઉપડતા તેને બસમાં અન્ય મુસાફરને ઉભો કરીને સીટમાં બેસાડવાની કામગીરી કંડક્ટર અને વિજાપુરમાં રહેતા અજયકુમાર ઠાકરે કરી હતી. ત્યારબાદ મુસાફરને છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડ્યો હોવાની બસના ડ્રાઇવર અને વસઇના વતની તેમજ હાલમાં કુકરવાડા રહેતા જયદીપસિંહ ચાવડાને જાણ કરી હતી. આથી ડ્રાઇવરે મુસાફરને વહેલા તકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ભેગો કરવા માટે બસની સ્પિડ વધારી દીધી હતી. ઉપરાંત પેથાપુર ગામમાં જતા બે મુસાફરોને હૃદયમાં દુ:ખાવો થયેલા મુસાફરની સ્થિતિ જણાવતા તેઓએ પેથાપુર ચાર રસ્તા પાસે ઉતરી ગયા હતા.

ત્યારબાદ ડ્રાઇવરે બસને સીધી જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગની આગળ જઇને ઉભી કરીને કંડક્ટર તેમજ અન્ય મુસાફરોએ મદદ કરીને છાતીમાં દુ:ખાવો થતાં યુવાનને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે યુવાન મુસાફરની પાસે તેની પત્ની હોવાથી કોઇની મદદ છે કે તે પુછતા તેમણે ના પાડતા ડ્રાઇવર અને કંડક્ટરે બસને લઇને ગાંધીનગર ડેપો લઇ જઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલ તરફ લઇ ગયા હોવાનું બસના કંડક્ટરે જણાવ્યું છે. જોકે બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા અજયકુમારને પણ ચાર એટેક આવ્યા હોવાથી હૃદયમાં દુ:ખાવાથી પરિચીત હોવાથી તેમણે ઇમરજન્સી નિર્ણય લેતા બસમાં બેઠેલા અન્ય મુસાફરોએ ડ્રાઇવર અને કંડક્ટરની કામગીરીને બિરદાવી હતી. જોકે એસ ટી નિગમે પણ આવા કર્મચારીઓની કામગીરીને બિરદાવવી જોઇએ તેવી આશા મુસાફરો રાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *