Gujarat: રાજ્યમાં 15 મે સુધી ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

Spread the love

 

ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને તેને તબાહ કરી નાંખ્યા હતાં. ત્યાર બાદ પાકિસ્તાન દ્વારા દેશના 15 શહેરો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુરૂવારે જમ્મુ કાશ્મીર સહિત ત્રણ રાજ્યોમાં પાકિસ્તાને મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા હતાં. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપી મિસાઈલ અને ડ્રોન તોડી પાડ્યા હતાં અને પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.

પાકિસ્તાને કચ્છના સિરક્રિક અને સરહદી વિસ્તારમાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં હાઈ એલર્ટ જાહેર કરી બ્લેક આઉટ જાહેર કરાયુ હતુ. રાજ્ય સરકારે 15 મે સુધી ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ મુકી દીધો છે.

જાહેર કાર્યક્રમ કે ઈવેન્ટમાં ફટાકડા નહીં ફોડી શકાય

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી છે કે, ગુજરાતમાં આગામી 15 મે સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેર કાર્યક્રમ કે ઈવેન્ટમાં ફટાકડા નહીં ફોડી શકાય.બનાસકાંઠા બોર્ડર પર આવેલ નડાબેટ સીમા દર્શન પણ બંધ કરી દેવાયું છે. બીજી તરફ કચ્છમાં સુરક્ષા વધારી દેવાઈ છે. નારાયણ સરોવર પાસે હથિયારધારી જવાનો તૈનાત કરી દેવાયા છે.

વાવ અને સુઈગામના 24 ગામડા એલર્ટ કરી દેવાયા

આ સ્થિતિમાં બનાસકાંઠાના વાવ અને સુઈગામના 24 ગામડા એલર્ટ કરી દેવાયા છે. બીજી તરફ રાજસ્થાન બોર્ડર પાસેના શામળાજી મંદિરમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. મેશ્વો ડેમ ખાતે પણ તપાસ કરવામાં આવી છે. બોમ્બ સ્ક્વોર્ડ સાથે તપાસ શરૂ કરાઈ છે. જૂનાગઢ કલેક્ટરે દરિયાઈ સમિતિની બેઠક કરી હતી. જેમાં દરિયાઈ સુરક્ષાને લઈને ચર્ચાઓ કરાઈ હતી. માંગરોળની તમામ બોટોને દરિયામાંથી પરત બોલાવાઈ છે. સરકારની સૂચનાઓને ગામડાના લોકો સુધી પહોંચાડાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *