ભારત-પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે તમામ રાજ્ય સરકારના તમામ કર્મચારી-અધિકારીઓની રજા કેન્સલ કરી હતી. જેમાં બોર્ડ-નિગમથી લઈ કોર્પોરેશન અને પંચાયત સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ સામેલ હતા. જો કે 10મેના રોજ બન્ને દેશોએ સીઝ ફાયરની જાહેરાત કર્યા બાદ હવે જનજીવન સામાન્ય બન્યું છે. જેથી સરકારે હવે રજાઓ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. જો કે આ કર્મચારીઓએ અનિવાર્ય સંજોગોમાં કર્મચારીઓએ તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે. તેમજ રજાઓ દરમિયાન કર્મચારીઓ-અધિકારીઓએ ફોન-ઇમેલ પર સતત ઉપલબ્ધ રહેવું પડશે.ઉલ્લેખનીય છે કે, રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.78 લાખ કર્મચારી છે.
આ પહેલાં 12 મેના રોજ ગુજરાતના બંધ કરાયેલા 8 એરપોર્ટ પણ શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં ભુજ, કંડલા, કેશોદ, જામનગર, નલિયા, મુંદ્રા, હીરાસર (રાજકોટ)પોરબંદર એરપોર્ટનો સમાવેશ થાય છે.તેમજ રાતના 7 વાગ્યા પછી ભક્તો માટે બંધ કરાયેલું જગત મંદિર દ્વારકા ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું છે. તેમજ ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર 14 વ્યક્તિ સામે પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવી દેશવિરોધી અને વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સાથે, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પણ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી, અફવાઓ કે સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટનું નિરીક્ષણ કરી, તાત્કાલિક ગુનો દાખલ કરવા અને આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી કરવા પોલીસને આદેશ આપ્યા હતા.
ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ બ્રાન્ચ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા આવી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન, 14 વ્યક્તિઓએ દેશવિરોધી, લોકોમાં વૈમનસ્ય ફેલાય અને સૈન્યનું મનોબળ તોડે તેવા લખાણો પોસ્ટ કર્યા હોવાનું ધ્યાને આવતા તેમની સામે FIR દાખલ કરવામાં આવી છે. ક્યા જિલ્લામાં કેટલી ફરિયાદ નોંધાઈ? જેમાં ખેડા જિલ્લામાં 2, ભુજમાં 2 FIR ઉપરાંત જામનગર, જુનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત શહેર, વડોદરા, પાટણ અને ગોધરા જિલ્લામાં એક-એક મળી કુલ 14 FIR દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે.