
શહેરના સરગાસણમાં રહેતા યુવકે તેના મકાનમાં ફર્નિચર કરાવવાનુ હોવાથી શોધખોળ કરી રહ્યો હતો. ત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર હોમ ઇન્ટીરીયો નામના એકાઉન્ટ ધરાવનાર સાથે વાત કરી હતી. ત્યારબાદ યુવકને મકાન બતાવવા બોલાવ્યો હતો અને 8.80 લાખમાં સામાન સાથે કામ આપવામાં આવ્યુ હતુ. જેમાં શરૂઆતમાં 2.41 લાખ રૂપિયા લીધા પછી માત્ર પ્લાયવુડની શીટ મોકલી હતી અને બાદમાં ફોન બંધ કરી દીધો હતો. જેથી યુવકે ઇન્ફોસિટી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ ગૌરવ શાંતિલાલ જૈન (રહે, સ્વીટ શુક્ર, સરગાસણ, મૂળ, ઉદેપુર) ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ત્યારે તેણે ફરિયાદ નોંધાવી હતી કે, તેને શ્યામ હાઇટ્સમાં ફ્લેટ ખરીદ્યો હોવાથી ફર્નિચર બનાવવાનુ હતુ. જેથી ફર્નિચરવાળાની શોધખોળ કરવામાં આવતી હતી. તે દરમિયાન ઇન્સ્ટાગ્રામ ઉપર હોમ ઇન્ટીરીયો નામના એકાઉન્ટ ઉપર જાહેરાત જોતા તેને સંપર્ક કર્યો હતો. જેમાં તેને ફોન કરતા હિરેન નરેશભાઇ પંચાલ (રહે, ચિત્રાનગર, વડોદરા)માં એજન્સી હોવાનુ જણાવ્યુ હતુ. ફ્લેટમાં ફર્નિચર બનાવવાનુ હોવાથી તેને બોલાવ્યો હતો અને ગત ડીસેમ્બર 2024માં ફ્લેટ ઉપર આવ્યો હતો. ત્યારબાદ 8.80 લાખમાં ફ્લેટમાં ફર્નિચરનુ કામ માલ સામાન અને મજુરી સાથે નક્કી કરવામાં આવ્યુ હતુ. કામ કરવાનુ નક્કી થતા 21 હજાર ગુગલ પે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા રૂપિયા માંગતા 2 લાખ અને 20 હજાર નેટ બેંકીંગથી ચૂકવ્યા હતા. આરોપી હિરેનએ તેની પત્ની જ્યોતિના એકાઉન્ટનો ચેકનો ફોટો મોકલતા તેમાં રૂપિયા જમા કરાવ્યા હતા. જ્યારે સામાન મોકલતા માત્ર પ્લાયવુડની શીટ જ મોકલી હતી. બાકીનો સામાન મોકલવામાં આવ્યો ન હતો. જેથી યુવકે વેપારીનો સંપર્ક કરતા હુ રૂબરૂ આવવાનો છુ, ત્યારે તમામ વાતચીત કરીશુ કહીને બહાના બતાવતો હતો, પરંતુ ગાંધીનગર આવતો ન હતો. ત્યારબાદ ફોન પણ ઉપાડવાનુ બંધ કરી દીધુ હતુ. જેથી યુવકે ઇન્ફોસિટી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.