
સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત નગરવાસીઓને ચોવીસ કલાક પાણી આપવાની વાત કોરોનાકાળ પહેલાંથી કરવામાં આવી રહી છે. તેમ છતાં હજુ સુધી સેક્ટરવાસીઓને ચોવીસ કલાક પાણીનો લાભ મળ્યો નથી. પરંતું છાશવારે પાણીના ટેસ્ટીંગ વખતે જુના સેક્ટરોમાં લિકેજની સમસ્યા યથાવત રહેવા પામી છે. પાણીની પાઇપ લાઇન નાંખવામાં તકલાદી મટીરીયલ નાંખવામાં આવ્યું હોવાથી લિકેજની સમસ્યા દર વખતે નવી જગ્યાએ જોવા મળી રહતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
નગરવાસીઓને ચોવીસ કલાક પીવાનું પાણી આપવાની યોજના અમલી કરાઇ હતી. જેને પાંચેક વર્ષ જેટલો સમય થવા છતાં હજુ સુધી નગરવાસીઓને ચોવીસ કલાક પીવાના પાણીનો લાભ મળી રહ્યો નથી. તેને બદલે ચોવીસ કલાક પાણીની વાતો વચ્ચે નવી નાંખેલી પાણીની પાઇપ લાઇનમાં લિકેજની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. ચોવીસ કલાક પીવાના પાણીના પ્રોજેક્ટ અંતર્ગત સેક્ટરોમાં નાંખવામાં આવેલી નવી પાઇપ લાઇનની સાથે સાથે દરેક ઘરે જોડાણ આપવામાં આવ્યા છે. જોકે જોડાણ આપવામાં વપરાયેલું મટીરીયલ તકલાદી કક્ષાનું હોય તેમ જુના સેક્ટરોમાં છાશવારે પાણીના લિકેજનો પ્રશ્ન મોં ફાડીને સામે આવે છે. જોકે પાણીના લિકેજનું રિપેરીંગ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પરંતું એક જગ્યાએ રિપેરીંગ કર્યા બાદ બીજી જગ્યાએ પુન: લિકેજનો પ્રશ્ન સામે આવતો હોય છે. ત્યારે ચોવીસ કલાક પાણી સેક્ટરવાસીઓને ઘરે બેઠા મળે તે પહેલાં લિકેજની સમસ્યાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી રહી છે. ચોવીસ કલાક પાણી યોજના અંતર્ગત જૂના સેક્ટરોના દરેક ઘરે મીટર નાંખી દેવામાં આવ્યા છે. મીટરમાં હાલમાં અપાતા પાણીનું અને ચોવીસ કલાક યોજના અંતર્ગત નાંખેલી પાઇપનું પણ જોડાણ આપી દીધું છે. તેમ છતાં પાઇપ લાઇન તકલાદી પ્રકારની હોવાથી લિકેજની સમસ્યાનો કાયમી ઉકેલ નહી આવતા એક સાંધતા તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઇ છે.