કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 17મીએ શહેરના 1100 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરશે

Spread the love

 

 

સેક્ટર-21-22નો અંડરપાસ ખુલ્લો મુકાશે, ગુડાના ઇડબલ્યુએસ આવાસોનું પણ લોકાર્પણ કર્યું

 

ગાંધીનગર

કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ સપ્તાહના અંતમાં પોતાના સંસદીય મત વિસ્તાર અમદાવાદ- ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહના હસ્તે મહાનગરપાલિકા અને ગુડા દ્વારા હાથ પર લેવાયેલા અંદાજે 1100 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવશે. અમિત શાહની ઉપસ્થિતિમાં વાવોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં આ કામોનું લોકાર્પણ થશે.

અમિત શાહ આ સ્થળે જાહેર સભાને સંબોધન પણ કરશે. ગાંધીનગર મહાનગરપાલિકા અને ગુડા દ્વારા તૈયાર કરવામાં આવેલા જન સુવિધાના અનેક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમિત શાહ દ્વારા કરવામાં આવશે. આ અગાઉ ગત એપ્રિલ માસમાં પણ અમિત શાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પછી તે મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે 17મીના રોજ જાહેર કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા હસ્તકના કુલ 889 કરોડ રૂપિયાના કુલ 78 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવામાં આવશે. 575.43 કરોડ રૂપિયાના 45 જેટલા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જેમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના 168 કરોડના 15 પ્રોજેક્ટ, દક્ષિણ વિસ્તારના 321.50 કરોડના 22 પ્રોજેક્ટ અને બંને વિસ્તારને આવરી લેતા 85.26 કરોડના 8 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકાના 313.73 કરોડના 33 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં ગાંધીનગર ઉત્તરના 84 કરોડના 12 પ્રોજેક્ટ, દક્ષિણના 220 કરોડના 16 પ્રોજેક્ટ અને બંને વિસ્તારને આવરી લેતા 9 કરોડના 5 પ્રોજેક્ટનું લોકાર્પણ થશે.

મહાનગરપાલિકા દ્વારા શહેરના બ્યુટીફિકેશન, નાગરિક સુવિધાને લગતા વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ થશે જેમાં સેક્ટર-21-21 વચ્ચે ચ- માર્ગ પર પંચદેવ મંદિર સામે બનાવવામાં આવેલા અંડરપાસનો પણ સમાવેશ થાય છે. આ અંડરપાસ તૈયાર થઇ ગયો છે જે શનિવારે ખુલ્લો મૂકવામાં આવશે. આ ઉપરાંત ગુડા દ્વારા બનાવવામાં આવેલા ઇડબલ્યુએસ કેટેગરીના 2663 આવાસોનું પણ લોકાર્પણ થશે. આ આવાસોનો ડ્રો અગાઉ થઇ ગયો છે અને મોટાભાગના આવાસ તૈયાર થઇ ગયા છે ત્યારે તેની ચાવી સોંપી પ્રતિકાત્મક કબજો લાભાર્થીઓને અપાશે. વિકાસ કામોથી નાગરિકોની સુવિધામાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *