
ગાંધીનગર
ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં સિંહણ સ્વાતી ગર્ભવતી બની હતી. જેમાં ગર્ભમાં રહેલા બે બચ્ચા મોતને ભેટ્યા હતા. ઓપરેશન પછી સિંહણને વધુ સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યા અર્ધબેભાન હાલતમાં તબીબ ઉપર હુમલો કરી દીધો હતો. જેમાં હાથ અને પગ ઉપર ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્ત હાલતમાં પણ તબીબે પછીની સારવાર કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં છેલ્લા ચાર દિવસ અત્યંત ખરાબ રહ્યા હતા. પાર્કમાં રહેલી સિંહણ સ્વાતિ ગર્ભવતી બની હતી, પરંતુ નાની ઉંમર હોવાથી બચ્ચાનો વિકાસ થઇ શક્યો ન હતો અને બચ્ચા ગર્ભમાં જ મૃત્યુ પામ્યા હતા. આ બનાવ બાદ સિંહણની સારવાર કરવામાં આવી હતી. મૃત્યુ પામેલા બચ્ચાને બહાર કાઢ્યા પછી સિંહણ મૃત્યુ ના પામે તે જોવુ પણ જરૂરી હતુ. આ કિસ્સામાં સિંહણને વધારે સારવાર માટે હિંમતનગર હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યા બેભાન કર્યા પછી સારવાર ચાલુ કરી હતી. તે સમયે સિંહણ થોડી ભાનમાં આવતા પાર્કના તબીબ અનિકેત પટેલના હાથ ઉપર હુમલો કરી દીધો હતો. સિંહણે હાથ મોઢામાં લઇ લેતા તેને છોડાવવા અન્ય તબીબો આવ્યા હતા. જ્યારે હાથ છોડાવ્યા પછી પગ ઉપર હુમલો કરી દીધો હતો. જેથી પગ ઉપર પણ ઇજાઓ થઇ હતી. આ બનાવ બાદ પણ તબીબે લોહીથી લથબથ હાલતમાં સિંહણને સાજી કરવા માટે સારવાર ચાલુ રાખી હતી. હિંમતનગરથી ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં લાવ્યા બાદ તેની સતત દેખરેખ રાખવાનુ અન્ય કર્મચારીઓને સુચન કરવામાં આવ્યુ હતુ. ઇજાગ્રસ્ત તબીબ હાલમાં સારવાર લીધા બાદ ઘરે જ આરામ કરી રહ્યા છે. પરંતુ સિંહણની હાલત બાબતે અન્ય સ્ટાફ સાથે સતત સંપર્ક રાખી રહ્યા છે.