રોલ્સ રોયસ, હમર, લેકસસ જેવી 30થી વધુ કારની આયાત કરી 25 કરોડની ડ્યુટી ચોરી કરવામાં આવી, એકની ધરપકડ કરાઈ

Spread the love

 

અમદાવાદ

કિંમતી વિદેશી કારને મોડીફાઈડ કરી ભારતીય બંદર પર આયાત સમયે ઓછી કિંમત દર્શાવી ડ્યુટી ચોરીના કૌભાંડનો DRIએ પર્દાફાશ કર્યો છે. હૈદ્રાબાદ, મુંબઈ, પુણે, અમદાવાદ, બેંગ્લોર અને દિલ્હીના આયાતકારોએ આ મોડસ ઓપરેન્ડીથી અત્યાર સુધીમાં રોલ્સ રોયસ, હમર, લેકસસ જેવી 30 જેટલી લકઝરી કારની આયાત કરી 25 કરોડની ડ્યુટી ચોરી કરી હોવાનું ખૂલ્યું છે. આ મામલે હાલ એકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્યની તપાસ કરવામાં આવી રહી છે. ભારતમાં લાગુ કસ્ટમ ડ્યુટીથી બચવા માટે ભારતીય બંદરો પર જે કારની આયાત કરવામાં આવતી હતી તેનું મૂલ્ય ઓછું દર્શાવી ડ્યુટી ઓછી ભરી ચોરી કરવામાં આવતી હતી. આ લકઝરી કારને પહેલા અમેરિકા કે જાપાનથી દુબઈ કે શ્રીલંકા લઈ જવામાં આવતી હતી. અમેરિકન બનાવટની કારમાં લેફ્ટ સીટ ડ્રાઈવ હોય છે. જેથી આ કારને દુબઈ કે શ્રીલંકામાં રાઈડ હેન્ડ ડ્રાઈવમાં રૂપાંતર કરાતી હતી. ત્યારબાદ તેના બનાવટી દસ્તાવેજો બનાવી આયાત મૂલ્ય ખોટું બતાવી ડ્યુટી ચોરી કરાતી હતી.

તપાસમાં, એવું જાણવા મળ્યું કે ઉપરોક્ત મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને 30 થી વધુ લક્ઝરી કાર જેમ કે હમર EV, કેડિલેક એસ્કેલેડ, રોલ્સ રોયસ, લેક્સસ, ટોયોટા લેન્ડ ક્રુઝર અને લિંકન નેવિગેટર જેવા મોડેલોની આયાત કરવામાં આવી છે. સામેલ આયાતકારો હૈદરાબાદ, મુંબઈ, પુણે, અમદાવાદ, બેંગ્લોર અને દિલ્હી સ્થિત છે અને અંદાજિત 25 કરોડ રૂપિયાથી વધુની ડ્યુટી ચોરી કરવામાં આવી છે. DRIએ આ કોમર્શિયલ છેતરપિંડીમાં સંડોવાયેલા સૌથી મોટા આયાતકાર પૈકીના એકની હૈદરાબાદમાં ધરપકડ કરી છે. જેને 7 કરોડ રૂપિયાથી વધુની કસ્ટમ ડ્યુટી ચોરી કરતી 8 હાઇ-એન્ડ લક્ઝરી કાર આયાત કરી છે. અમદાવાદની CJM કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. આયાતી કારના અન્ય આયાતકારો અને વાસ્તવિક વપરાશકર્તાઓ જેમના વતી આ કાર આયાત કરવામાં આવી હતી તેઓ DRIની તપાસ હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *