
રાજકોટ
મુળ સાયલા તાલુકાના ઢીંકવાળી ગામના કીરીટભાઈ ભીમજીભાઈ મારૂ વર્ષોથી અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહે છે. તેમના લગ્ન 15 વર્ષ પહેલા ખેડા જિલ્લાના ધરોડા ગામના કંચનબેન સાથે થયા છે. કંચનબેનના દિયર ધર્મેશભાઈના દસેક વર્ષ પહેલા લગ્ન થયા હતા. જેમાં લગ્નના 6-7 માસમાં જ તેમના છુટાછેડા થઈ ગયા હતા. કંચનબેનને છેલ્લા ત્રણેક વર્ષથી દિયર ધર્મેશભાઈ સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. આ વાતની તેમના પતિને ખબર ન હતી. છેલ્લા એકાદ વર્ષથી ધર્મેશ કંચનબેનને ભાગીને લગ્ન કરવા દબાણ કરતો હતો. પરંતુ કંચનબેનને પતિ અને બે બાળકોને મુકીને જવાની ઈચ્છા ન હતી. બન્નેએ સાથે ફોટા પડાવેલ હોઈ આ ફોટા સગા-સંબંધીઓને દેખાડી દેવાની ધમકી આપી ધર્મેશ અવારનવાર ટોર્ચર પણ કરતો હતો. જયારે કંચનબેન તેમના પતિ સાથે બેસે, હળી-મળીને વાત કરે તે પણ ધર્મેશને ગમતુ ન હતુ. એકાદ માસ પહેલા દંપતી ખાટલામાં બેસી વાતો કરતુ હતુ ત્યારે ધર્મેશ આવી કીરીટભાઈ સાથે ઝઘડો કર્યો હતો. અને બન્નેનાં સંબંધની સગા-સબંધીઓને જાણ કરી દીધી હતી.
સગાસંબંધીઓ મારફતે કીરીટભાઈને આ વાતની જાણ થતા તેઓએ આવી ભુલ બીજીવાર ન કરતી તેમ કહી ઠપકો આપ્યો હતો અને કંચનબેને માફી માંગી લીધી હતી. બાદમાં દંપતીએ અમદાવાદ મુકવાનું નક્કી કર્યુ હતુ. અને ચોટીલાના મફતીયાપરા વિસ્તારમાં છેલ્લા એકાદ માસથી ભાડાનું મકાન લઈને રહેતા હતા અને સેન્ટીંગ કામની મજુરીએ જતા હતા. તા. 13-5ના રોજ સાંજે દંપતી બજારમાંથી જમવાનું પાર્સલ લઈને ચાલીને મફતીયાપરા તરફ જતા હતા. ત્યારે ધર્મેશે આવી કીરીટભાઈની પીઠમાં છરીનો ઘા કર્યો હતો. અને આજે તો તને મારી નાંખવાનો છે તેમ કહી છાતીમાં બીજો ઘા કર્યો હતો. આ સમયે કંચનબેન વચ્ચે પડતા તેઓ ઉપર પણ છાતી અને પડખામાં છરી વડે હુમલો કર્યો હતો. જેમાં બન્નેને લોહી નીકળતી હાલતમાં સારવાર માટે પ્રથમ ચોટીલા સરકારી દવાખાને અને ત્યાંથી રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે કંચનબેને દિયર ધર્મેશ ભીમજીભાઈ મારૂ સામે ચોટીલા પોલીસ મથકે હત્યાની કોશિષની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ આઈ. બી. વલવી ચલાવી રહ્યા છે.